ઈંધણને જીએસટીમાં નહીં લાવવા રાજ્યો એકમત

ઈંધણને જીએસટીમાં નહીં લાવવા રાજ્યો એકમત
કોરોનાની દવાઓમાં રાહત : બિનલોહ ધાતુઓ-ખનિજોનો જીએસટી વધીને 18 ટકા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : જીએસટી કાઉન્સિલની આજે લખનઊમાં  મળેલી બેઠકમાં બિનલોહ ધાતુઓ, ખનિજો અને કોન્સેન્ટ્રેટ્સ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 18 ટકા કરાયો છે. કેટલીક દવાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઈ છે તો અન્ય કેટલીક દવાઓ પર જીએસટીનો દર ઘટાડીને ન્યૂનતમ પાંચ ટકા કરાયો છે.
કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે મળેલી કાઉન્સિલની 45મી બેઠકમાં તમામ રાજ્યોએ એકી અવાજે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના વ્યાપમાંથી બહાર રાખવાની ભલામણ કરી હતી. કેરળ અને તામિલનાડુના વિરોધને કારણે નાળિયેર પર જીએસટીના દર વિશે સહમતી સાધી શકાઈ ન હતી.
18 ડિસેમ્બર, 2020 બાદ વીસ મહિને આજે પ્રથમવાર જીએસટી કાઉન્સિલની પ્રત્યક્ષ બેઠક યોજાઈ હતી. કોરાના કાળ દરમિયાન તેની બેઠકો અૉનલાઇન હતી. આજની બેઠકમાં ગુજરાત સિવાય લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાનો તેમ જ કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આજની બેઠકમાં કોરોનાની સારવારમાં વપરાતી એમ્ફોટેરિસીન અને ટોસીલીજુમૈબને જીએસટીમાંથી મુક્તિ અપાઈ હતી, જ્યારે રેમડેસિવિર તથા હેપટિન પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. કોરોનાની સારવારમાં વપરાતી કેટલીક દવાઓને મળતી કરરાહત 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવાઈ છે. જીએસટી કાઉન્સિલે ફિટમેન્ટ કમિટીના પ્રસ્તાવોને મંજૂર કરીને સંખ્યાબંધ ચીજો પરના જીએસટી દરોમાં ફેરફાર કર્યો હતો.
ફળોના રસમાંથી બનાવેલા તેમ જ ફળોનો રસ ધરાવતાં કાર્બનયુક્ત પીણાં (`કાર્બનેટેડ ફ્રૂટ બીવરેજીસ અૉફ ફ્રૂટ ડ્રિંક' અને `કાર્બનેટેડ બીવરેજીસ વિથ ફ્રૂટ જ્યુસ') પર 28 ટકા જીએસટી તેમ જ 12 ટકા કોમ્પેન્સેશન સેસ લાગશે.
ખનિજ લોખંડ તથા મેંગેનીઝ, તાંબું, નિકલ, કોબાલ્ટ, એલ્યુમિનિયમ, જસત, સીસું, ટીન અને ક્રોમિયમની કાચી ધાતુઓ અને કોન્સેન્ટ્રેટસ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 18 ટકા કરાયો છે.કાગળની થેલીઓ પર 18 ટકા જીએસટી નાખવામાં આવ્યો છે. સર્વાંગીણ બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) અથવા એ જ પ્રકારની અન્ય યોજના માટે વપરાતાં દ્રવ્યોથી સમૃદ્ધ ચોખા (ફોર્ટિફાઇડ રાઇસ કર્નેલ) પરનો જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. કૅન્સર માટેની દવાઓ પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
પોલીયુરીથેન અને અન્ય પ્લાસ્ટિકનો ભંગાર, ટુકડા અને કચરા પરનો જીએસટી પાંચ ટકાથી વધારીને 18 ટકા કરાય તેવી શક્યતા છે. તમામ પ્રકારની પેન પર 18 ટકાના એકસમાન દરે જીએસટી નાખવાની ભલામણ કરાઈ છે.
ડીઝલ સાથે મિશ્રણ કરવા માટે સરકારી તેલ કંપનીઓને વેચવામાં આવેલા બાયોડીઝલ પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
મહેંદીના પાન અને પાવડર પર પાંચ ટકા જીએસટી લાગશે. રિન્યુએબલ ઊર્જામાં વપરાતાં ઉપકરણો પર 12 ટકા જીએસટી લાગશે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer