વડા પ્રધાનના જન્મદિને વૅક્સિનેશનનો વિશ્વવિક્રમ

વડા પ્રધાનના જન્મદિને વૅક્સિનેશનનો વિશ્વવિક્રમ
એક દિવસમાં બે કરોડ ડૉઝ અપાયા
ભાજપ ઊજવશે સેવા-સમર્પણ પખવાડિયું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ અને સક્રિય રાજકારણનાં 20 વર્ષ નિમિત્તે ભાજપે આજે 14 દિવસના `સેવા ઔર સમર્પણ' અભિયાનનો શુભારંભ ર્ક્યો હતો. ઉપરાંત ભાજપે અનેક રાજ્યો સાથે મળીને વડા પ્રધાનના જન્મદિવસે વધુને વધુ લોકોનું રસીકરણ કરીને વિક્રમ સ્થાપવાનું લક્ષ્ય પણ રાખ્યું હતું. તે અંતર્ગત શુક્રવારે સાંજ સુધીમાં બે કરોડથી વધુ લોકોને વૅક્સિન આપીને ભારતે એક દિવસમાં સૌથી વધુ વૅક્સિન આપવાનો વિશ્વવિક્રમ સ્થાપિત ર્ક્યો છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એને વડા પ્રધાનને જન્મદિવસની ભેટ ગણાવી હતી.
ભાજપના દિલ્હી સ્થિત વડા મથકે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ `સેવા ઔર સમર્પણ' અભિયાનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે દેશ અને ભાજપના તમામ કાર્યકરો માટે આ ગર્વની વાત છે કે તેમની પાસે નરેન્દ્ર મોદી જેવા માર્ગદર્શક છે. નડ્ડાએ અભિયાનના ભાગ તરીકે રક્તદાન શિબિરનું પણ ઉદ્ઘાટન ર્ક્યું હતું. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનના જન્મ દિવસે ભાજપે સેવા અને સમર્પણ અભિયાન શરૂ ર્ક્યું છે. કોઈપણ કાર્ય જનસેવાથી વધુ સંતોષજનક હોઈ ન શકે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં જાતિવાદ અને તુષ્ટીકરણના રાજકારણનું સ્થાન વિકાસના રાજકારણે લીધું છે. 
વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે, લોકકલ્યાણકારી યોજનાઓ માટે તેમનો આભાર માનતાં પાંચ કરોડ પૉસ્ટકાર્ડ, તેમના જીવન-કવન પર ફિલ્મ અને પ્રદર્શન, રક્તદાન શિબિર, યોગ શિબિર, સ્વચ્છતા અને રસીકરણ અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો યોજવાનું ભાજપનું આયોજન છે. આ કાર્યક્રમો 17 સપ્ટેમ્બરથી પખવાડિયા સુધી ચાલશે. કારણ કે આ સમયગાળામાં પં. દીનદયાળ ઉપાધ્યાય જયંતી (25 સપ્ટેમ્બર), ગાંધી જયંતી (બીજી અૉક્ટોબર) છે તથા સાત અૉક્ટોબરે વડા પ્રધાનને સક્રિય રાજકારણમાં 20 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.
ભાજપની યુવા શાખા પણ વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણી કરશે. ભાજપના સ્થાનિક એકમો તેમના વિસ્તારમાં પ્રાર્થના સમારોહ અને મેળાવડા યોજશે. તેઓ લોકોને વડા પ્રધાન સાથે સીધી રીતે સંવાદ કરવામાં મદદ કરતી `નમો ઍપ' ડાઉનલૉડ કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ સમયગાળા દરમિયાન વડા પ્રધાનની તસવીર ધરાવતી 14 કરોડ રાશનબેગનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણ અભિયાન હેઠળ 71 સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક અગ્રણીઓએ વડા પ્રધાનને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપી હતી. ગૃહપ્રધાને ટ્વીટર પર જણાવ્યું હતું કે મોદીજીએ દેશને સમય કરતાં આગળ વિચારવાનો અને પરિશ્રમથી સંકલ્પ સિદ્ધ કરવાનો વિચાર જ નથી આપ્યો પણ એને ચરિતાર્થ કરીને દર્શાવ્યું છે.
રેકોર્ડબ્રેક રસીકરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે દેશમાં છેડાયેલા મહાઅભિયાન અંતર્ગત એક દિવસમાં ર કરોડથી વધુ નાગરિકોના રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત કરાયો હતો. શુક્રવારે બપોરે 1:40 મિનિટે આંક 1 કરોડને કૂદાવી ગયો અને 1.50 કરોડે પહોંચતા 100 મિનિટ માંડ લાગ્યા હતા. સાંજે 4:30 સુધીમાં 1.75 કરોડ લોકોને વેકિસન ડોઝ અપાઈ ચૂકયા હતા. કોરોના સામેની લડાઈમાં ભારતે દુનિયાને દોરવણી આપતાં શુક્રવારે પ્રત્યેક સેકન્ડે 600 ડોઝ અને મિનિટે વેકિસનના સરેરાશ 50 હજાર ડોઝ આપ્યા હતા. 
એક દિવસમાં ભારતે જેટલા લોકોનું કોરોના રસીકરણ કરી બતાવ્યુ તે દુનિયા માટે અભુતપૂર્વ છે. રસીકરણમાં એક દિવસમાં 1 કરોડના આંકને પાર કરવામાં આવ્યો હોવાનું ચોથી વખત બન્યુ છે. વડાપ્રધાનના જન્મદિવસને ખાસ બનાવવા વધુને વધુ લોકોનું રસીકરણ કરવાનું મહાઅભિયાન અનેક શહેરોમાં તંત્ર દ્વારા ગુરૂવારે રાત્રે 1ર કલાકથી જ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. છેલ્લી સ્થિતીએ આંક ર કરોડને કૂદાવી ગયો છે અને આ જ રફતાર જળવાઈ રહી તો એક દિવસમાં અઢી કરોડના રસીકરણનો નવો કિર્તીમાન સ્થાપિત થશે. ગત બુધવાર સુધીમાં દેશમાં રસીકરણનો આંક 76 કરોડને કૂદાવી ગયો હતો. રાજયોની જરૂરીયાત મુજબ વેકિસનના ડોઝ ઉપલબ્ધ છે. કેન્દ્ર દ્વારા પુરતી સપ્લાય કરવામાં આવી છે. શુક્રવારે સાંજ સુધી રાજયો પાસે 7.60 કરોડ વેકિસન ડોઝ ઉપલબ્ધ હતા. આ પહેલા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અત્યાર સુધી વેકિસન નહીં લીધેલા લોકોને વડાપ્રધાનને જન્મદિવસે વેક્સિન ડોઝ લઈ ભેટ આપવા ટિવટથી અપીલ કરી હતી.
યુથ કૉંગ્રેસે મનાવ્યો બેરોજગારી દિવસ
યૂથ કોંગ્રેસે શુક્રવાર બેરોજગારી દિવસ તરીકે મનાવ્યો અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટ્વિટના માધ્યમથી `હેપી બર્થ ડે, મોદીજી' એવુ લખી શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના વિરોધને પગલે ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કટાક્ષ કર્યો કે કોંગ્રેસના તમામ નેતાઓ જ બેરોજગાર બની ગયા છે તેમને માત્ર પોતાની ચિંતા છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer