ફાઇનલમાં પહોંચવા આજે કોલકાતા અને દિલ્હી વચ્ચે મુકાબલો

ફાઇનલમાં પહોંચવા આજે કોલકાતા અને દિલ્હી વચ્ચે મુકાબલો
શારજાહમાં  ક્વૉલિફાયર -2 મૅચ : વિજેતા ટીમ શુક્રવારે ચેન્નઈ વિરુદ્ધ ખિતાબી જંગ રમશે
શારજાહ, તા.12: આઇપીએલના પહેલા ખિતાબની તલાશમાં દિલ્હી કેપિટલ્સની ટીમ બુધવારે અહીં બીજા ક્વોલિફાયરમાં સારા ફોર્મમાં ચાલી રહેલી કોલકતા નાઇટ રાઇડર્સની ચુનૌતીનો સામનો કરવા મેદાને પડશે. આ મેચની વિજેતા ટીમ શુક્રવારે સીએસકે વિરુદ્ધ ખિતાબી જંગમાં ટકરાશે. દિલ્હીની ટીમ પહેલી પરીક્ષામાં નિષ્ફળ રહી હતી. તેને પહેલા ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર સહન કરવી પડી હતી. ઋષભ પંતના સુકાનીપદ હેઠળની દિલ્હીની ટીમ જો કેકેઆર સામે પણ હારી જશે તો તેનું આઇપીએલ અભિયાન સમાપ્ત થઈ જશે. બીજી તરફ એમાં કોઈ શક નથી કે સોમવારે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ કેકેઆરની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. યોગ્ય સમયે કોલકતાની ટીમે ફોર્મમાં વાપસી કરી છે. આથી તેને પલડું ભારે લાગી રહ્યંy છે. દિલ્હી પાસે જો કે સારા ખેલાડીઓ અને તેની ટીમમાં ઉંડાઈ છે, પણ કેકેઆર બાજી પલ્ટી શકે છે. 
લીગ તબક્કામાં દિલ્હીની ટીમ 10 મેચ જીતીને અહીં પહોંચી છે, પણ તેને ખબર છે કે કોલકતા સામે તેની રાહ આસાન નહીં રહે. 2019માં ત્રીજા સ્થાને રહેનાર અને 2020માં ફાઇનલ સુધીની સફર કાપનાર દિલ્હીની ટીમ આ વખતે એક ડગલું આગળ વધીને ખિતાબ જીતવા આતુર છે. દિલ્હીની ટીમ સંતુલિત છે. તેની પાસે મજબૂતી બેટિંગ ક્રમ અને બોલિંગ આક્રમણ છે. શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર અને કેપ્ટન ઋષભ પંતની હાજરીથી તેનું ટોચનું ક્રમ મજબૂત બને છે. હેટમાયર પિંચહિટર છે. બોલિંગમાં રબાડા, નોત્ઝે અને આવેશખાન શાનદાર ફોર્મમાં છે. દિલ્હીની ટીમ યુએઇમાં કોલકતા સામે લીગ મેચ હારી હતી. જે તેના માટે રેડ સિગ્નલ છે.
બીજી તરફ બે વખતની પૂર્વ ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ સંઘર્ષ બાદ પ્લેઓફમાં પહોંચી હતી. તેણે વિરાટ કોહલીની મજબૂત ટીમ આરસીબીને આંચકો આપીને તેની ફાઇનલની આશા જીવંત રાખી છે. આવતીકાલના મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફિટ હશે અને જો મેદાને પડશે તો કેકેઆરની ટીમ વધુ મજબૂત બનશે. મિસ્ટ્રી સ્પિનર સુનિલ નારાયણનું શાનદાર ફોર્મ ટીમ માટે પ્લસ પોઇન્ટ બન્યું છે. શારજાહની સ્પિન ફેવરિટ પીચ પર નારાયણ અને વરુણ ચક્રવર્તી સામે દિલ્હીના બેટધરોની કસોટી થશે. કોલકતાની ટીમે ફાઇનલમાં પહોંચવા બેટિંગ-બોલિંગ અને ફિલ્ડિંગમાં સહિયારો દેખાવ કરવો પડશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust