કોરોના : 14,313 નવા સંક્રમિતો : રિકવરી દર વધીને 98.04 ટકા

નવી દિલ્હી, તા. 12 : દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત ઘટી રહેલા કેસોથી કોરોનાની પકડ ઢીલી પડી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 15 હજારથી પણ નીચે જઈ 14,313 નોંધાયા હતા, જે છેલ્લા 224 દિવસમાં સૌથી ઓછા છે. કોરોનાથી મૃત્યુઆંક પણ ઘટી ગયો છે. વીતેલા 24 કલાકમાં 181 દર્દીનાં મોત થયાં હતાં, જ્યારે 26,579 લોકો આ મહામારીથી સાજા થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.04 ટકા થયો છે. મૃતક સંખ્યા વધીને 4,50,963 થઈ હતી.
અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ અનુસાર સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કુલ મામલા વધીને 23,82,73,817 થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 48,57,438 લોકોનાં મોત થયાં છે.
દેશમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યા પણ ઘટીને 2,14,900 થઈ ગઈ છે, જે કુલ મામલાના 0.63 ટકા છે. આ દર માર્ચ-2020 બાદનો સૌથી ઓછો છે.
છેલ્લા 24 કલાકમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યામાં કુલ 12,447નો ઘટાડો જોવા મળ્યો છે.
ગઈકાલે 11,81,766 કોરોના ટેસ્ટની સાથે જ ટેસ્ટનો કુલ આંક 58,50,38,043 થયો છે.
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer