જી-20 સંમેલન : અફઘાન મામલે દુનિયાને સંગઠિત થવા મોદીની હાકલ

નવીદિલ્હી, તા.12: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી સર્જાયેલા સંકટ મુદ્દે આજે મળેલી જી-20ની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિસ્સો લેતા કહ્યું હતું કે, કટ્ટરવાદ, આતંકવાદ અને માદક પદાર્થોની તસ્કરી સામે વિશ્વની સંયુક્ત લડાઈ આવશ્યક છે. આ સાથે જ તેમણે અફઘાન નાગરિકો માટે તત્કાળ નિર્વિઘ્ને માનવીય સહાય માટે પણ હાકલ કરી હતી.
આજની બેઠકમાં વડાપ્રધાન મોદીએ એ સુનિશ્ચિત કરવા ઉપર જોર આપ્યું હતું કે, અફઘાનિસ્તાનનો પ્રદેશ કટ્ટરવાદ અને આતંકવાદનો સ્રોત બનવો ન જોઈએ. વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી યોજાયેલી આજની આ પરિષદમાં યુદ્ધગ્રસ્ત અફઘાન વિશે ગહન પરામર્શ થયો હતો. જેમાં મોદીએ દુનિયાને સંગઠિત પ્રતિક્રિયા માટે આહ્વાન કર્યું હતું. 
બીજીબાજુ કઝાકિસ્તાનનાં નૂર સુલ્તાનમાં અફઘાનિસ્તાનના ઘટનાક્રમોથી સ્પષ્ટરૂપે ચિંતા ઉભી થઈ હોવાનું વિદેશમંત્રી વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું. તેમણે સીઆઇસીએના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, કાબુલમાં એક સમાવેશક સરકારની રચનાને પ્રેરવા માટે આતંકવાદને સમર્થન ન મળે તે સર્વવિદિત પ્રાથમિકતા છે.
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer