હીરાના અગ્રણી વેપારી કીર્તિલાલ દોશીનું 100મા જન્મદિને સન્માન

હીરાના અગ્રણી વેપારી કીર્તિલાલ દોશીનું 100મા જન્મદિને સન્માન
મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ ઍસોસિયેશન દ્વારા 
મુંબઈ, તા.12 : જેમ્સ જ્વેલરી એકસ્પોર્ટર્સ ઍસોસિયેશન (જીજેઇએ) અને જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્ડિયા (જીઆઇઆઇ)ના ફાઉન્ડર મેમ્બર તરીકે તેમ જ એમડીએમએના કમિટી મેમ્બર કીર્તિલાલ કાલીદાસ દોશીના 100મા જન્મદિવસે `ધ મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ ઍસોસિયેશન'ના તમામ હોદ્દેદારો, કમિટી મેમ્બર તથા સભ્યો દ્વારા બીકેસીના એમડીએમએ હૉલમાં મંગળવારે બપોરે ચાર વાગ્યે તેમનું પુષ્પગુચ્છ, સન્માન પત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.  
કીર્તિલાલ દોશીનું સન્માન કરતાં સભ્યોએ જણાવ્યું હતું કે પરોપકારની પીચ ઉપર માનવતાના બેટથી અહંકારના બોલને હવામાં ઉછાળી પુણ્યકર્મના રનોથી સેન્ચુરી બનાવનાર નોટઆઉટ મુરબ્બી કીર્તિલાલ કાલીદાસ દોશીનું દિલથી સન્માન કરતાં અમે ધ મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ ઍસોસિયેશનના તમામ સભ્યો અત્યંત રોમાંચની લાગણી અનુભવી રહ્યા છીએ. એમડીએમએ તરફથી આપની સ્વાભિમાની જીવનયાત્રાને નતમસ્તકે ભાવપૂર્વક વંદન કરીએ છીએ. આપની 100મા વર્ષમાં પ્રવેશની જિંદગીને લાખો લાખો અભિનંદન.  આ પ્રસંગે કીર્તિલાલ દોશીનો સંપૂર્ણ પરિવાર હાજર રહ્યો હતો. કીર્તિભાઇના પુત્ર શ્રેયસભાઇ દોશીએ જણાવ્યું હતું કે મારા માતા પિતાની જીવનયાત્રા જોતાં અને પિતાના 100મા જન્મિદવસે હું મહાતીર્થની અનુભૂતિ કરીને તેમ જ તેમની સેવા કરવાની સોનેરી તક મળતાં ગૌરવ અનુભવી રહ્યો છું. 
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer