રિટેલ ફુગાવો ઘટયો, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

રિટેલ ફુગાવો ઘટયો, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું
અૉગસ્ટ-સપ્ટે.માં અર્થતંત્રમાં વધુ સુધારો  
નવી દિલ્હી, તા. 12 : સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકાની પાંચ મહિનાની નીચી સપાટીએ આવ્યો હતો. અૉગસ્ટમાં રિટેલ ફુગાવો 5.3 ટકા હતો. સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો રિઝર્વ બૅન્કની  2-6 ટકાની મર્યાદામાં રહ્યો હતો.   
સપ્ટેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવ ઘટ્યા હતા, જયારે ક્રૂડ અૉઇલ અને ઇંધણના ભાવોમાં વધારો થયો હતો.  
નેશનલ સ્ટેટેસ્ટિટિકલ અૉફિસે મંગળવારે રિટેલ ફુગાવાના આંકડા બહાર પાડ્યા હતા.  
ઘટેલા ફુગાવાને કારણે રિઝર્વ બૅન્કને આસાન નાણાનીતિ જાળવી રાખવામાં સુગમતા રહેશે. ગયા સપ્તાહે આરબીઆઇએ તેની નાણાનીતિમાં રેપો અને રિવર્સ રેપો રેટ યથાવત રાખ્યા હતા.  
મંગળવારે જારી થયેલા અન્ય આંકડામાં અૉગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંક-ઇન્ડેક્સ અૉફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં વર્ષાનુવર્ષ 11.9 ટકા વધારો થયો હતો. જુલાઈમાં આ વધારો 11.5 ટકા હતો. 
નેશનલ સ્ટેટિસ્ટિકલ અૉફિસના આંકડા અનુસાર અૉગસ્ટમાં મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રનું ઉત્પાદન 9.7 ટકા વધ્યાં હતું. ખાણ ક્ષેત્રના ઉત્પાદનમાં અૉગસ્ટમાં 23.6 ટકા અને વીજળીના ઉત્પાદનમાં 16 ટકા વધારો થયો હતો.  
ગયા વર્ષે અૉગસ્ટમાં આઇઆઇપીમાં 7.1 ટકા ઘટાડો નોંધાયો હતો. 
ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પહેલા પાંચ મહિના એપ્રિલથી અૉગસ્ટમાં આઇઆઇપીમાં 28.6 ટકા વધારો થયો હતો. ગયા વર્ષના સમાન સમયમાં 25 ટકા ઘટાડો નોંધાયો હતો. 
માર્ચ 2020થી શરૂ થયેલી મહામારીને કારણે દેશના ઔદ્યોગિક ઉત્પાદનને નુકસાન થયું હતું જેની આંશિક અસર હજુ પણ ચાલુ છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust