રોનાલ્ડોની વધુ એક સિદ્ધિ : ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી વધુ હેટ્ટ્રિકનો રેકર્ડ

રોનાલ્ડોની વધુ એક સિદ્ધિ : ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી વધુ હેટ્ટ્રિકનો રેકર્ડ
લિસ્બન, તા.13: પોર્ટૂગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના નામે વધુ એક રેકોર્ડ કર્યો છે. તે ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વખત હેટ્રિક ગોલ કરનારો સ્ટ્રાઇકર બની ગયો છે. ફીફા વર્લ્ડ કપ ક્વોલીફાયર્સમાં રોનાલ્ડોએ લક્ઝમબર્ગ વિરુદ્ધના મેચમાં બે ગોલ પેનલ્ટી અને એક ગોલ હેડરથી કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. રોનાલ્ડોની હેટ્રિકથી પોર્ટૂગલનો 5-0થી જોરદાર વિજય થયો હતો. આ જીતથી પોર્ટૂગલની ટીમ ગ્રુપ-બેમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેના હવે 16 અંક છે. સર્બિયાની ટીમ 17 પોઇન્ટ સાથે ટોચ પર છે. રોનાલ્ડોએ સ્વીડનના ખેલાડી સ્વેન રીડેલનો 9 વખત હેટ્રિક કરવાનો રેકોર્ડ તોડયો છે. રોનાલ્ડોની ઇન્ટરનેશનલ કેરિયરમાં હવે 10 હેટ્રિક થઈ છે. રોનાલ્ડો ઓવરઓલ કેરિયરમાં 58 વખત હેટ્રિક કરી ચૂક્યો છે. રોનાલ્ડોના નામે ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ ગોલનો પણ વર્લ્ડ રેકોર્ડ છે. લક્ઝમબર્ગ સામેના મેચ પછી તેના ઇન્ટરનેશનલ ગોલની સંખ્યા 115 થઇ છે. યૂરો કપ-2020 દરમિયાન તેણે ઇરાનના પૂર્વ ફૂટબોલર અલી ડેઇના સૌથી વધુ ગોલ (109)નો વિક્રમ તોડયો હતો.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer