ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં અક્ષરના સ્થાને શાર્દુલ

ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં અક્ષરના સ્થાને શાર્દુલ
અનફિટ હાર્દિક પંડયા પર બીસીસીઆઇએ ભરોસો જાળવી રાખ્યો : અક્ષર પટેલ હવે સ્ટેન્ડ બાય ખેલાડીના રૂપમાં : ટીમની સાથે 8 નેટ બૉલર
મુંબઇ તા.13: ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં એક ફેરફાર થયો છે. ડાબોડી સ્પિનર અક્ષર પટેલના સ્થાને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનો 15 ખેલાડીની ટીમમાં સમાવેશ કરાયો છે. અક્ષર પટેલ હવે સ્ટેન્ડ બાય ખેલાડીઓની સૂચિમાં આવી ગયો છે. બીજી તરફ અનફિટ અને આઉટ ઓફ ફોર્મ હાર્દિક પંડયા પર બીસીસીઆઇએ વિશ્વાસ યથાવત રાખ્યો છે.
શાર્દુલ ઠાકુર પાછલા કેટલાક સમયથી ટેસ્ટ અને લીમીટેડ ઓવર્સના ક્રિકેટમાં પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ બોલ અને બેટથી શાનદાર દેખાવ કર્યોં હતો. આઇપીએલના ફેઝ-ટુમાં તેણે યૂએઇમાં પણ હિર ઝળકાવ્યું છે. આઇપીએલની વર્તમાન સિઝનમાં સીએસકે તરફથી રમતા તેના નામે 15 મેચમાં 18 વિકેટ છે. જયારે યૂએઇમાં તેણે 8 મેચમાં 13 વિકેટ લીધી છે. બીજી તરફ હાર્દિક પંડયા પાછલા કેટલાક સમયથી ફિટનેસની સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. યૂએઇમાં તેનું પ્રદર્શન કંગાળ રહ્યં છે. તેણે પાંચ મેચમાં ફકત 75 રન કર્યાં છે. આ દરમિયાન તે બોલિંગ તો કરી જ શકયો નથી. આમ છતાં બીસીસીઆઇએ તેના પર વિશ્વાસ ચાલુ રાખ્યો છે. બીસીસીઆઇએ આઇપીએલમાં શાનદાર દેખાવ કરનાર કુલ 8 ખેલાડીને વિશ્વ કપ દરમિયાન નેટ બોલર તરીકે પસંદ કર્યાં છે. જેમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરિવાલા, વૈંકટેશ અય્યર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે. ગૌતમ સામેલ છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા ( વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડ બાય ખેલાડી : શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહર.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer