ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ
નવી દિલ્હી, તા.13: બીસીસીઆઇએ આજે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2021 માટેની ટીમ ઇન્ડિયાની જર્સી લોન્ચ કરી છે. ક્રિકેટ બોર્ડે ટિવટર પર કપ્તાન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર-બેટસમેન કેએલ રાહુલ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ફોટા શેર કરતા લખ્યું છે કે `જર્સીની પેટર્ન ચાહકોના અબજો ચીયર્સથી પ્રેરિત છે.' હાલની જર્સી નેવી બ્લૂ કલરની છે. આ પ્રકારની જર્સી ટીમ ઇન્ડિયાએ 1992ના વન ડે વર્લ્ડ કપમાં પહેરી હતી. હવેની નવી જર્સી પણ 1992ના વર્લ્ડ કપની જર્સીને મળતી આવે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારતના યજમાનપદ હેઠળ ટી-20 વર્લ્ડ કપ ઓમાન અને યૂએઇમાં 17 ઓકટોબરથી શરૂ થઇ રહ્યો છે.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 24 ઓકટોબરે દુબઇમાં રમાનારા મેચથી કરશે. એ પછી 31 ઓકટબરે ન્યુઝીલેન્ડ સામે ટકકર થશે. જયારે ત્રણ નવેમ્બરે અબુધાબીમાં અફઘાનિસ્તાનની ટીમ સામે હશે. ભારતના સુપર-12ના બાકીના બે મેચ ગ્રુપ બીની વિજેતા (પાંચ નવેમ્બર) અને ગ્રુપ એની બીજા સ્થાન પર રહેનારી ટીમ (આઠ નવેમ્બર) સામે રમાશે.
પાકિસ્તાન ટીમની જર્સી વિવાદમાં
ભારત-પાકિસ્તાનના મેચ પહેલા જ વિવાદ શરૂ થયો છે. વાત એવી છે કે પાકિસ્તાનની નવી જર્સી `આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ યૂએઇ' લખ્યું છે. જેનો બીસીસીઆઇએ વિરાધ કર્યોં છે. કારણ કે યજમાન દેશ યૂએઇ નથી, પણ ભારત છે. આથી પાક. જર્સી પર છેલ્લે ભારત લખેલું હોવું જોઇએ તેવી બીસીસીઆઇની ફરિયાદ છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer