બિનલોહ ધાતુનો ઉછાળો રૂંધાયો

બિનલોહ ધાતુનો ઉછાળો રૂંધાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલના વાયદામાં ઝડપથી વધેલા વાયદાના ભાવમાં આજે ધારણા મુજબનો અવરોધ સર્જાયો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં ઉંચકાયેલા તાંબા-ટીન-નિકલના ભાવમાં નફાતારણી આવવાથી નગણ્ય સુધારા-ઘટાડા વચ્ચે ભાવ ટકેલા અથવા થોડા ઘટાડે બંધ રહ્યા હતા. જોકે વીજળી કોલસાનો વધુ વપરાશ ધરાવતી ધાતુ એલ્યુમિનિયમ અને જસતના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો. 
સ્થાનિક બજારમાં તાંબાની ખરીદીમાં સાવચેતીનું વલણ જણાય છે. સ્થાનિક આયાતકારોએ નવી ખરીદીના અૉર્ડર પાછા ઠેલ્યા હોવાના અહેવાલ છે. સ્થાનિક બજારના અનુભવી સપ્લાયરો ઊડાઉડ ભાવમાં હંમેશાં નવી ખરીદી રોકે છે.
વૈશ્વિક બજારોમાં કોલસાની તીવ્ર અછતને લીધે યુરોપ-અમેરિકામાં બિનલોહ લોખંડ સહિત તમામ  બિનખાધ કૉમોડિટીના ભાવ વધ્યા છે. જેના પરિણામે લંડન મેટલ એક્સચેન્જમાં ઝડપથી બિનલોહ ધાતુના વાયદા ઉછાળે હતો. પરંતુ આજના અહેવાલ પ્રમાણે એસએમઈ ખાતે તાંબાનો ભાવ માત્ર 12 ડૉલર વધીને ટન દીઠ 9482 ડૉલરે બંધ હતો.
 નિકલનો ભાવ 115 ડૉલર ઘટાડે 19,230 ડૉલરે નરમ જણાતો હતો. ટીનનો ભાવ 53 ડૉલરના નગણ્ય સુધારે 36,428 ડૉલરે રહ્યો હતો. પરંતુ જસતનો ભાવ 57 ડૉલર વધીને 3242 ડૉલર અને એલ્યુમિનિયમમાં 27 ડૉલર સુધારા વચ્ચે ભાવ 3058 ડૉલરે બંધ રહ્યો હતો.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer