ઈન્ફોસિસે આ વર્ષ માટેની આવકનો અંદાજ વધાર્યો

ઈન્ફોસિસે આ વર્ષ માટેની આવકનો અંદાજ વધાર્યો
શૅરદીઠ રૂ.15નું ડિવિડંડ જાહેર
મુંબઈ, તા. 13: દેશની બીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ઈન્ફોસિસનો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રૂ.5,421 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.4,845 કરોડ હતો. કંપનીએ નાણાં વર્ષ 2022 માટે રેવેન્યુ ગાઈડન્સ 16.5 ટકાથી વધારીને 17.5 ટકા કર્યું છે.
સૂચિત ત્રિમાસિકમાં આવક 20 ટકા વધીને રૂ.29,602 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.24,570 કરોડ હતી. કંપનીના બોર્ડે શૅરદીઠ રૂ.15ના ડિવિડંડની મંજૂરી આપી છે. ઈન્ફોસિસનો અંદાજ છે કે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2022માં આવક વૃદ્ધિ 16.5થી વધીને 17.5 ટકા થશે. કંપનીના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર સલીલ પારેખે કહ્યું કે અમારી શ્રેષ્ઠ કામગીરી અને વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી નવી ડિજિટલ સેવાઓ આપતા રહેશું. અમે વૈશ્વિક એન્ટરપ્રાઈસિસ સાથે વૃદ્ધિની તક જોઈ રહ્યા છે. તેમ જ ક્ષમતામાં વધારો કરવા માટે મૂડીરોકાણ કરી રહ્યા છે, જેમાં વિવિધ ક્લાઉડ પ્લે, ઈન્ફોસિસ કોબાલ્ટ ટીએમનો સમાવેશ થાય છે જેથી અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ મળી રહી છે. તેમ જ કંપનીનો બજાર હિસ્સો વધી રહ્યો છે અને બજારમાં અમે ક્લાઉડ અને ડિજિટલ કાયાપલટ માટેના શ્રેષ્ઠ ભાગીદાર સાબિત થઈ રહ્યા છે. કંપનીના ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર નિલંજન રોયે કહ્યું કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અૉપરેટિંગ માર્જિન (નફાગાળો) સારો રહ્યો હતો જેનું મુખ્ય કારણ ખર્ચમાં ઘટાડો કરીને કામકાજમાં કરેલો વધારો છે. રોકડ પ્રવાહ પણ સારો રહ્યો છે. મૂડી ફાળવણી નીતિ પણ સફળ રહી છે. શૅર બાયબેકની પ્રક્રિયા પણ સફળતાપૂર્વક સંપન્ન રહી જેથી શૅરદીઠ રૂ.15ના વચગાળાના ડિવિડંડની ચૂકવણી કરવા માટે આગળ આવી શક્યા. 
સપ્ટેમ્બરમાં ત્રિમાસિકમાં ઘસારો અવિરત વધતા 20 ટકાએ પહોંચ્યો હતો. ઈન્ફોસિસના ચીફ અૉપરેટિંગ અૉફિસર પ્રવીણ રાવે કહ્યું કે, બજારની તકને ઝડપી લેવા અમે ક્ષમતામાં વિસ્તરણ કરીએ છીએ તેના ભાગરૂપ આ વર્ષે 45,000 નવા સ્નાતકોને રોજગાર આપીશું. તે સાથે અમે કર્મચારીઓના આરોગ્યની કાળજી અને તેમના કૌશલ્યને પણ વિકસાવી રહ્યા છે જેથી તેમની કારર્કિદીમાં વૃદ્ધિ થાય.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer