વિપ્રોનો બીજા ત્રિમાસિકનો નફો ઘટીને રૂ.2931 કરોડ

વિપ્રોનો બીજા ત્રિમાસિકનો નફો ઘટીને રૂ.2931 કરોડ
મુંબઈ, તા. 13 : વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સપ્ટેમ્બર'21 ત્રિમાસિકમાં આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રો લિ.ની આઈટી સર્વિસીસની આવક ત્રિમાસિક ધોરણે 7.6 ટકા વધીને રૂ.19,760 કરોડ થઈ છે, જ્યારે કુલ નફો ત્રિમાસિક ધોરણે 10 ટકા ઘટીને રૂ.2,930.7 કરોડ થયો છે.
આગામી ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં કંપનીની આઈટી સર્વિસીસ બિઝનેસની આવક ત્રિમાસિક ધોરણે બેથી ચાર ટકા વધીને 2.63-2.68 અબજ ડૉલર થવાની ધારણા ગાઈડન્સમાં વ્યક્ત કરવામાં આવી છે.
વિપ્રોના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર થાઈરી ડેલાપોર્ટે કહ્યું કે સપ્ટેમ્બર ત્રિમાસિકની કામગીરી સૂચવે છે કે અમારી બિઝનેસ વ્યૂહરચના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સૂચિત ત્રિમાસિકમાં અમે ત્રિમાસિક ધોરણે 4.5 ટકાની ઓર્ગેનિક આવક કરી છે અને વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસમાં વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ છે. કંપનીના ગ્રાહકો, ભાગીદારો અને સહભાગીઓના અમે આભારી છીએ કેમ કે તેમણે અમારી વાર્ષિક આવક સરેરાશ 10 અબજ ડૉલરની ટકાવી રાખી છે. 
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અૉપરેટિંગ માર્જિન 17.8 ટકાએ હતું જે ત્રિમાસિક ધોરણે 1.04 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીના ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર જતીન દલાલે કહ્યું કે અમે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અૉપરેટિંગ માર્જિન (નફાગાળા)ને જાળવી રાખ્યું છે. 
તાજેતરમાં અમે કરેલા એક્વિઝીશન, વેચાણ, ક્ષમતા અને કૌશલ્ય પાછળ કરેલા રોકાણની અસર પ્રોફિટ માર્જિન ઉપર થવા દીધી નથી. અમારા 80 ટકા કર્મચારીઓનો પગાર અમે વધાર્યો છે અને આ વર્ષે પગારમાં બે વખત વધારો પણ કર્યો છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer