કોરોના : નવા 15,823 સંક્રમિતો, 96.43 કરોડથી વધુને રસીકરણ

નવી દિલ્હી, તા. 13 : તહેવારોમાં તકેદારી વધી હોવાની સાથે મહામારીમાંથી મુકિતની લોકોની ઇચ્છાશક્તિ પ્રબળ બની હોય તેવી પ્રતીતિ રૂપે ભારતમાં બુધવારે  સારવાર દર્દી ઘટીને 214 દિવસમાં સૌથી ઓછા રહ્યા હતા.
દેશમાં આજે 15,823 નવા દર્દીના ઉમેરા બાદ કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3.40 કરોડને આંબી, 3 કરોડ 40 લાખ, 01743 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 226 દર્દીની  જીવનરેખા કોરોનાએ ટૂંકાવતાં કુલ્લ 4,51,189 દર્દી જીવ ખોઇ ચૂકયા છે.
વધુ 7247 કેસના ઘટાડા બાદ આજની તારીખે 2,07,653 સંક્રમિતો સારવાર હેઠળ છે. કુલ્લ દર્દીઓ સામે સક્રિય કેસોનું પ્રમાણ 0.61 ટકા રહી ગયું છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ્લ 3 કરોડ 33 લાખ, 42,901 દર્દી સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે. સાજા દર્દીઓનો દર અર્થાત રિકવરી રેટ વધીને 98.06 ટકા થઇ ગયો છે. સંક્રમણનો દૈનિક દર 1.19 ટકા છે, તો સાપ્તાહિક 1.46 ટકા છે. કોરોનાથી મૃત્યુનો દર 1.33 ટકા છે.
દેશમાં અત્યાર સુધી 58.63 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે, તો 96.43 કરોડથી વધુ લોકોને રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer