પવઈ વિહાર તળાવ પર સાઇકલ ટ્રેક બનાવવાનો પ્રકલ્પ પર્યાવરણને નુકસાનકારક હોવાથી અટકાવો : આપ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.13 : આમ આદમી પક્ષ મુંબઈએ ડિયર પાર્કમાં પવઈ તળાવ પર પ્રસ્તાવિત સાઇકલ ટ્રેક સામે વિરોધનો વાવટો ફરકાવ્યો છે. પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના અને પાલિકાના આ વિશેષ પ્રકલ્પ અનેક સવાલ ઊભા કરે છે. મહાપાલિકાએ આ પ્રકલ્પને કોઇપણ મૂલ્યાંકન અને તપાસ વગર મંજૂરી આપી દીધી હોવાનો આક્ષેપ આમ આદમી પક્ષે મૂકયો છે. 
આપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય અને મુંબઈ પ્રભારી પ્રીતિ શર્મા મેનને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની માગ છે કે પવઇ વિહાર તળાવ પર સાઇકલ ટ્રેકનું નિર્માણ અટકાવી દેવામાં આવે અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે નાગરિકોને પોતાની આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ અંગે પોતાનો અભિગમ સ્પષ્ટ કરે. જ્યાં સુધી નિમણૂક કરાયેલી સમિતિ દ્વારા પર્યાવરણ પ્રભાવ આકલનનું નિષ્કર્ષ કરતો અહેવાલ આપતી નથી ત્યાં સુધી આ પ્રકલ્પને અટકાવી દેવામાં આવે. આ પ્રકલ્પથી તળાવમાંના જીવોને નુકસાન થવાની શકયતા છે. સાઇકલ ટ્રેકના નામે અહીં સાત ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. સાઇકલસવારોને આ ટ્રેકથી કોઇ લાભ થવાનો નથી. તળાવની વચ્ચે સાઇકલ ટ્રેક બનાવીને સરકાર પર્યાવરણનું તેમ જ જળજીવ સૃષ્ટિનું નુકસાન કરશે. આ વિશેષ પ્રકલ્પના ખર્ચ અંગે કોઇ જાણકારી સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.  સાઇકલ ટ્રેક કોને માટે અને કેમ બનાવવામાં આવી રહ્યો છે તેની જાણકારી પાલિકા કે સરકાર પાસે નથી. અમારી સરકારને વિનંતી છે કે પર્યાવરણનો અભ્યાસ કરતી સમિતિના અહેવાલ બાદ જ આ પ્રકલ્પને શરૂ કરે અને હાલ પૂરતું ટ્રેકનું કામ તે અટકાવી દે. 
આમ આદમી પક્ષના મુંબઈ કાર્યકારી અધ્યક્ષ રૂબેન મસ્કારેનહાસે જણાવ્યું હતું કે પવઇ વિહાર તળાવ પરનો સંપૂર્ણ સાઇકલ ટ્રેક પ્રકલ્પ ગુપ્ત રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કે મહાપાલિકાની વેબસાઇટ પર કોઇપણ જાણકારી ઉપલબ્ધ નથી. આ અંગે અમે આરટીઆઇ દાખલ કરી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. આ સાઇકલ ટ્રેક જો રસ્તા પર બની હોત તો અમારો કોઇ વિરોધ નહોતો પરંતુ આ ટ્રેક તળાવની વચ્ચે બની રહી છે. જે તળાવના જીવો માટે જોખમી છે. પર્યાવરણ સમિતિના અહેવાલ બાદ પ્રકલ્પ બનાવવામાં આવે અને હાલ પૂરતુ તેનું કામ અટકાવી દેવામાં આવે. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer