કોવિડમાંથી સાજા થયેલા ચાર જણને કરોડરજ્જુમાં ફંગસથી નુકસાન થયું હતું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મ્યુકરમાઈકોસિસ (બ્લૅક ફંગસ) બાદ પુણેમાં કોવિડમાંથી સાજા થઈ ગયેલા ચાર દર્દીઓને કરોડરજ્જુમાં ફંગસનો ચેપ લાગ્યો હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું અને આને કારણે તબીબી જગતમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.
66 વર્ષના પ્રભાકરે કોવિડમાંથી સાજા થઈ ગયાના એક મહિના બાદ હલકા તાવ અને પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને સ્નાયુના દુખાવામાં રાહત મળે એ માટેની પરંપરાગત સારવાર કરવામાં આવી હતી અને નોન સ્ટેરોઇડ દવાઓ આપવામાં આવી હતી, પરંતુ કોઈ રાહત મળી નહોતી. મેગ્નેટિક રિસોનાન્સ ઇમેજીંગ (એમઆરઆઈ) સ્કેનમાં ગંભીર ચેપથી કરોડરજ્જુના બે મણકાઓ વચ્ચેની જગ્યામાં હાડકાંને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું જેને તબીબી ભાષામાં સ્પોન્ડીલોડીસીટીઝ કહેવામાં આવે છે. કરોડરજ્જુના આ ફંગસ ચેપને તરત નિદાન થઈ શકતું નથી કારણ કે તે કરોડરજ્જુના ટીબી સાથે મળતો આવે છે.
આવો ફંગસ ચેપ કોવિડની બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓના મોંની બખોલમાં અને ફેફસાંમાં જોવા મળ્યો હતો.
ત્રણ મહિનામાં ચાર દર્દીઓમાં આ ફંગસ ચેપ જોવા મળ્યો હતો.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer