ખાદ્યતેલના ભાવને કાબૂમાં રાખવા સરકારે આયાત ડ્યૂટી ઘટાડી

અમારા પ્રતિનિધિ તરફથી           
મુંબઈ, તા. 13 : તહેવારોની મોસમમાં ખાદ્યતેલના ભાવ અંકુશમાં રહે એ માટે કેન્દ્ર સરકારે બુધવારે ખાદ્યતેલની આયાત શુલ્કમાં ઘટાડાની જાહેરાત કરી હતી. કેન્દ્રના વાણીજ્ય મંત્રાલયે આની જાહેરાત કરી હતી. 
વાણિજ્ય મંત્રાલય દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા સર્ક્યુલરના જણાવ્યા પ્રમાણે ક્રૂડ પામતેલની ડ્યૂટી 8.25 ટકા (પહેલા 24.75 ટકા હતી), RBD પામોલીન પર ડ્યૂટી 19.25 ટકા (પહેલા 35.75 ટકા). RBD પામતેલ પર 19.25 ટકા (પહેલા 35.75 ટકા), ક્રૂડ સોયા તેલ પર 5.5 ટકા (પહેલા 24.75 ટકા), રિફાઈન્ડ સોયા તેલ પર 19.5 ટકા (પહેલા 35.75 ટકા), ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5.5 ટકા (પહેલા 24.75 ટકા) અને રિફાઈન્ડ સૂર્યમુખી તેલ પર 19.25 ટકા (પહેલા 35.75 ટકા) રહેશે. 
ડ્યૂટી ઘટવાને કારણે RBDના ભાવમાં 14,114.27, CPO ઓલિના ભાવમાં 14526.45 અને સોયા તેલના ભાવમાં 19351.95 પ્રતિ ટને ઘટાડો થયો હતો. 
ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે દીવાળી બાદ બજારોમાં ભયંકર મંદી આવી શકે છે. 
સરકારે પહેલેથી સ્ટોક લિમિટ બાંધી રાખી છે અને સપ્ટેમ્બરમાં જંગી માત્રામાં ખાદ્યતેલની આયાત થઈ છે. સરકારે ડ્યૂટી ઘટાડવાનું પગલું બહુ વિલંબથી લીધું છે. 
તહેવારોની મોસમમાં ડ્યૂટી ઘટાડવાનો ઝાઝો લાભ મળતો નથી તથા વિદેશી નિર્યાતક દેશો ડ્યૂટી ઓછી હોય એ ગાળામાં નિર્યાત વધારી દેતા હોય છે. 
એટલે સરકારે જીએસટી જે તેલીબિયાં પર અત્યારે પાંચ ટકા છે એને હટાવવાની જરૂર છે અને જાહેર વિતરણ મારફતે સરકારે ખાદ્યતેલ લોકોને આપવું જોઈએ, એમ કરાશે તો ખાદ્યતેલના ભાવને અંકુશમાં રાખી શકાશે. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer