ક્રૂઝ શીપ પર રેઈડ પડી ત્યારે આર્યન ખાન ત્યાં હતો જ નહી : બચાવ પક્ષ

આર્યનની જામીનનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ જોરદાર વિરોધ 
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મુંબઈથી ગોવા જતી ક્રુઝ શીપ કોર્ડિલા પરની ડ્રગ પાર્ટીમાંથી પકડવામાં આવેલા અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી બુધવારે અધૂરી રહી હતી અને હવે એ ગુરુવારે (આજે) આગળ ચાલશે. સુનાવણી દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સ્પેશિયલ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે અમારી તપાસમાં એ બહાર આવ્યું છે કે આર્યન ખાન ડ્રગ્સના ષડયંત્રમાં, એની હેરાફેરીમાં, એને ખરીદવામાં અને એનું સેવન કરવામાં સામેલ છે. 
આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે મારા અસીલ પાસેથી કોઈ નશીલા પદાર્થ મળ્યા નથી એટલે જામીન તેને મળવા જ જોઈએ. એ ક્રુઝ શીપ પર રેઈડ પડી ત્યારે આર્યન ખાન શીપ પર હાજર પણ નહોતો. આ કેસમાં પકડવામાં આવેલા આરોપીઓ જુવાન છે અને તેઓ કંઈ ડ્રગ્સના દલાલો કે ષડયંત્રકારો નથી. ઘણા દેશોમાં આ બધા નશીલા પદાર્થ કાયદેસર છે અને આ આરોપીઓને જામીનના તબક્કે દંડવા ન જોઈએ. આરોપીઓ માટે એ સારી વાત નહીં હોય. તેમણે ઘણુ સહન કર્યું છે અને તેઓ આ પ્રકરણમાંથી પાઠ પણ શીખ્યા છે. 
જામીન અરજીનો વિરોધ કરતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કહ્યું હતું કે આર્યન ખાન છેલ્લા થોડા વર્ષોથી ડ્રગ્સનું સેવન કરે છે અને એ એવા લોકો સાથે સંપર્કમાં છે જેઓ ડ્રગ્સની ખરીદી માટે ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો એક ભાગ છે. વિદેશમાં જે આર્થિક વ્યવહારો થયા છે એની અત્યારે તપાસ ચાલુ છે. આર્યન ખાનના અમુક ઈન્ટરનેશનલ કનેકશનો પણ અમને મળ્યા છે. એ તેમની પાસેથી નશીલા પદાર્થો ખરીદતો હોવાનું કહેવાય છે. આ બધાની તપાસ માટે અમારે વિદેશી તપાસ સંસ્થાનો સંપર્ક કરવો પડે અને એ માટે પુરતા સમયની જરૂર છે.  
આર્યન ખાનના વકીલની દલીલ કે મારા અસીલ પાસેથી કોઈ નસીલા પદાર્થ મળ્યા નથી એ સંદર્ભમાં એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું હતું કે આર્યન ખાન પહેલા અર્બાઝ ખાનના ઘરે ગયો હતો અને ત્યાંથી બન્ને ક્રુઝ પર ગયા હતા. રેઈડ વખતે અર્બાઝ પાસેથી તપાસ અધિકારીઓને છ ગ્રામ ચરસ મળ્યું હતું જેનું સેવન થવાનું હતું. અર્બાઝ પાસેથી ચરસ છે એની આર્યન ખાનને ખબર હતી એટલે એ પણ અપ્રત્યક્ષ રીતે ડ્રગ્સનો કબ્જો જ છે. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો સ્પેશિયલ કોર્ટમાં એક એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એમાં એણે કહ્યું હતું કે આર્યન ખાન સહઆરોપી અર્બાઝ ખાન પાસેથી અને અર્બાઝના જાણીતાઓ પાસેથી હંમેશા નશીલા પદાર્થ ખરીદતો હતો.
 આ પ્રકરણમાં દરેક આરોપીના કેસને અલગથી જોઈ ન શકાય. બધા વચ્ચે ગાઢ સંબંધ છે એવું પ્રાથમિક તપાસમાં પુરવાર થયું છે. આમાં આર્યન ખાન પણ આવી જાય છે. એટલે કોઈ એક આરોપીના કેસને અલગ જોવાની જરૂર નથી. 
આર્યન ખાનના વકીલે એવી પણ દલીલ કરી હતી કે મારા અસીલ પાસે કોઈ નગદ રકમ પણ નહોતી એટલે એ પુરવાર થાય છે કે એનો ડ્રગ્સ ખરીદવાનો કે સેવનનો કોઈ ઈરાદો નહોતો. તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યા ન હોવાથી એનો ઈરાદો એ વેચવાનો પણ ન હોઈ શકે. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer