શેખ મેમણ સ્ટ્રીટમાં ફેરિયાઓને એન્ટ્રી, વેપારીઓના વાહનો માટે નો એન્ટ્રી

શેખ મેમણ સ્ટ્રીટમાં ફેરિયાઓને એન્ટ્રી, વેપારીઓના વાહનો માટે નો એન્ટ્રી
ઝવેરી બજારના વેપારીઓનો આક્રોશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : દક્ષિણ મુંબઈના વેપારીઓથી ધમધમતા ઝવેરી બજારના વેપારીઓ લૉકડાઉન બાદ મુંબઈ પોલીસના તઘલખી નિર્ણયને કારણે હાલાકી ભોગવી રહ્યા હોવાનું અનેક વેપારીઓનું કહેવું છે. જુમ્મા મસ્જિદથી લઈ મુમ્બાદેવી મંદિર સુધીની શેખ મેમણ સ્ટ્રીટ પર દેશના અનેક ટીબીઝેડ લિમિટેડ, ઝવેરી નારનદાસ એન્ડ સન્સ, ધીરજલાલ ભીમજી ઝવેરી પ્રતિષ્ઠિત જ્વેલર્સના શોરૂમ્સ ઉપરાંત મોહનલાલ એસ. મીઠાઈવાલા સહિતના અન્ય વેપારીઓની દુકાનો અને શોરૂમ્સ આવેલા છે. 
અહીં ખરીદી કરવા દેશભરના ગ્રાહકો આવતા હોવા છતાં પાલિકા અને પોલીસ પ્રશાસને અમલમાં મુકેલા નિયમોને કારણે આ વિસ્તારના વેપારીઓની મુસીબતોમાં ઘણો વધારો થયો છે. આ અંગે જણાવતા મોહનલાલ એસ. મીઠાઇવાલાના અલ્પેશ શર્માએ જણાવ્યું કે, લૉકડાઉનમાં છૂટ અપાયા બાદ આ વિસ્તારમાં ફેરિયાઓનું પ્રમાણ એટલું વધી ગયુ ંછે કે ગ્રાહકોને દુકાનમાં આવવું હોય તો પણ ભારે તકલીફ વેઠવી પડે છે. એટલું જ નહીં, અહીના વેપારીઓએ ગાડી ભરવી હોય કે ખાલી કરાવવી હોય તો પણ ફેરિયાઓને કારણે વાહન ઊભું રહી શકતું નથી. 
અલ્પેશ શર્મા વધુમાં જણાવ્યું કે કોવિડ-19ના નિયમોનું પાલન દરેક દુકાનદાર કરતા હોવા છતાં પાલિકા કોઈને કોઈ કારણસર વેપારીઓને દંડતા હોય છે. પરંતુ ફેરિયાઓ કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરતા ન હોવા છતાં પાલિકા પ્રશાસન કાર્યવાહી કરતું નથી. ફેરિયાઓએ લગાડેલા ખુમચા અને લારી વગેરેને કારણે વેપારીઓને તેમના વાહનો પાર્ક કરવાની જગ્યા મળતી નથી. આટલું ઓછું હોય તેમ મુંબઈ ટ્રાફિક પોલીસે સુરક્ષાના નામે શેખ મેમણ સ્ટ્રીટમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા વેપારીઓની હાલાકીમાં ઓર વધારો થયો છે. પોલીસનું કહેવુ ંછે કે અહીં બૉમ્બ બ્લાસ્ટનું જોખમ હોવાથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. તો શું જ્યાં બૉમ્બ ધડાકા થવાનું જોખમ હોય એવા તમામ સ્થળે વાહનો પર પ્રતિબંધ મુકાયા છે એવો સવાલ ઝવેરી બજારના વેપારીઓ કરી રહ્યા છે.
ઝવેરી બજારના વેપારીઓએ યોજેલી સભામાં તેમને પડતી હાલાકી અંગેનું આવેદન સ્થાનિક વિધાનસભ્ય રાહુલ નાર્વેકર ઉપરાંત ભૂતપૂર્વ નગરસેવક જનક સંઘવીને આપ્યું હતું. તેમણે વેપારીઓને પડતી તકલીફો દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે. 
વેપારીઓની માગણી છે કે શેખ મેમણ સ્ટ્રીટને નો હૉકર્સ ઝોન બનાવવામાં આવે અને વાહનોના પ્રવેશ પર મુકાયેલો પ્રતિબંધ હટાવી પાસ સિસ્ટમ શરૂ કરે જેથી વેપારીઓ નિશ્ચિંત થઈ વાહનો તેમની દુકાનો/શોરૂમ પાસે પાર્ક કરી શકે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer