ઈડીના સમન્સ રદ કરવા વિશેની અનિલ દેશમુખની અરજી પર હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

ઈડીના સમન્સ રદ કરવા વિશેની અનિલ દેશમુખની અરજી પર હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે બુધવારે હાઈ કોર્ટને કહ્યું હતું કે હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોના દાવાના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મારી સામે હવાલા પ્રકરણમાં કાર્યવાહી શરૂ કરી છે. દેશમુખના વકિલે કહ્યું હતું કે મારા અસીલ સામે ઈડીએ ઈસ્યુ કરેલા સમન્સ રદ કરવા જોઈએ. 
આ કેસમા કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી લીધી છે અને પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો.  ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ કહ્યું હતું કે દેશમુખ જે લોકોને હત્યારા અને ખંડણીખોર કહે છે એ લોકોને તેમણે પક્ષકાર બનાવવાની જરૂર છે. દેશમુખની તપાસમાં કોઈ દુર્ભાવના નથી અને કાયદાની પ્રક્રિયાનો કોઈ ભંગ કરાયો નથી. દેશમુખ કાયદાથી પર નથી અને તેમણે સમન્સને માન આપી ઈડી સમક્ષ હાજર થવું જોઈએ. 
દેશમુખે પોતાની સામે ઈડીએ ઈસ્યુ કરેલા સમન્સ રદ કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે અને બુધવારે આ અરજીની સુનાવણી થઈ હતી. દેશમુખે ઈડી સમક્ષ હાજર થવામાંથી પણ મુક્તિ માગી છે. ઈડીએ તેમની સામે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ કેસ ફાઈલ કર્યો છે. ઈડી અને સીબીઆઈ ધરપકડ ન કરે એની માગણી પણ દેશમુખે અરજીમાં કરી છે. 
સીબીઆઈએ 21 એપ્રીલના અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો કેસ ફાઈલ કર્યો એ બાદ ઈડીએ પણ દેશમુખ સામે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ કેસ ફાઈલ કર્યો હતો. મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીરે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી દેશમુખ સામે અનેક આક્ષેપો કર્યા હતા. આ મામલે હાઈકોર્ટે સીબીઆઈને પ્રિલિમિનરી ઈન્ક્વાયરી કરવાનો આદેશ આપેલો. આ ઈન્ક્વાયરીમાં સીબીઆઈને પરબીર સિંહના આક્ષેપમાં દમ લાગતા એણે દેશમુખ સામે એફઆઈઆર ફાઈલ કરી હતી.  દેશમુખના વકિલે કોર્ટને કહ્યું હતું કે જેમણે મારા અસીલ સામે આક્ષેપો કર્યા છે એ સ્વયં હત્યા અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા છે. અમારે વિછીંનો દાબડો ખોલવો નથી. 
પરમબીર સામે ખંડણી વસૂલવાના કેસો ફાઈલ થયા છે અને એન્ટિ કરપ્શન બ્યુરો પણ તેમની સામે તપાસ કરી રહ્યું છે. 
દેશમુખના વકિલે કહ્યું હતું કે મારા અસીલ સામે કેસ ફાઈલ થયા એ બાદ ઈન્કમ ટેક્સ, સીબીઆઈ અને ઈડીએ અત્યારે સુધી તેમના ઠેકાણા પર 30થી વધુ રેઈડ પાડી છે. મારા અસીલના દીકરાની કંપની, મારા અસીલના સીએ બધાને ગુનામા સંડોવવામાં આવી રહ્યા છે. મારા અસીલ આવતીકાલે ઈડી સમક્ષ હાજર થવા તૈયાર છે, પણ ઈડીએ એવો એક માહોલ ઊભો કર્યો છે કે મારા અસીલ સહકાર આપતાં નથી.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer