સીબીઆઈ, ઈડી અને એનસીબીનો ઉપયોગ વિપક્ષોને નિશાન બનાવવા થાય છે : શરદ પવાર

સીબીઆઈ, ઈડી અને એનસીબીનો ઉપયોગ વિપક્ષોને નિશાન બનાવવા થાય છે : શરદ પવાર
`અનિલ દેશમુખ પર આક્ષેપો કર્યા પછી પરમબીર ગુમ છે'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આવકવેરા ખાતું અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેવી સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ મહારાષ્ટ્રમાંના વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
શરદ પવારે આજે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીની મદદથી વિરોધ પક્ષોને બદનામ કરવા અને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
અજિત પવારના સગાંઓને ત્યાં સતત છઠ્ઠા દિવસે વિવિધ સેન્ટ્રલ એજન્સીના દરોડા ચાલુ રહ્યા છે. રાષ્ટ્રવાદીના નેતા અનિલ દેશમુખનો બચાવ કરતાં પવારે જણાવ્યું હતું કે અનિલ દેશમુખ ઉપર આક્ષેપો કરનાર વરિષ્ઠ પોલીસ અધિકારી પરમબીર સિંહને શોધી શકાતા નથી. જવાબદાર અધિકારી જવાબદાર પ્રધાન ઉપર આક્ષેપો કરે એવું ક્યારેય બન્યું નથી. અનિલ દેશમુખે રાજીનામું આપ્યું પછી તેઓ ઉપર વધુ આક્ષેપો થયા હતા. બાદમાં પરમબીર સિંહ ભાગી ગયા છે. આ એક તફાવત છે. અનિલ દેશમુખના ઘર ઉપર પાંચ વખત દરોડા પાડવામાં આવ્યા છે. એક વ્યક્તિના ઘર ઉપર પાંચ વખત દરોડા પાડવા પાછળનો હેતુ સમજાતો નથી તેઓ એ રેકોર્ડ કર્યો છે.
શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિ તરીકેની 54 વર્ષની કારકિર્દી દરમિયાન લગભગ 26 વર્ષ સુધી વિવિધ વહીવટી જવાબદારીઓ સંભાળી છે. હું સત્તા ઉપર હોઉ કે વિરોધ પક્ષમાં મારા વહીવટી તંત્ર સાથે સારા સંબંધો હતા. મેં કયારેય કોઈના ઉપર મારી સત્તાનો રૂઆબ છાંટયો નથી. મહારાષ્ટ્રની એજન્સીઓ પોતાનું કામ સારી રીતે કરે છે, પણ કેન્દ્રીય એજન્સીઓ પોતે કામ કરે છે એવું કેન્દ્ર સરકારને દેખાડે છે. કેફી દ્રવ્યોના કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ અંગે પવારે જણાવ્યું હતું કે વાનખેડેની ઍરપોર્ટ કાર્યકાળના કેટલાંક કિસ્સા જાણવા મળ્યાં છે. જોકે, તે વિશે પવારે વધુ વિગતો આપી નહોતી.
ઉત્તર પ્રદેશમાં લખીમપુર જિલ્લામાં ખેડૂતોની હત્યા અંગે શરદ પવારે જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપે પ્રથમ દિવસથી વલણ લીધું હતું કે ખેડૂતોની હત્યાની વાતમાં તથ્ય નથી. અપરાધીઓ વિરુદ્ધ પગલાં લેવાની જવાબદારીમાંથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન છૂટી શકે નહીં.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer