ગાંધીજીના કહેવાથી સાવરકરે અંગ્રેજો સમક્ષ દયાની અરજી કરેલી

ગાંધીજીના કહેવાથી સાવરકરે અંગ્રેજો સમક્ષ દયાની અરજી કરેલી
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજનાથ સિંહનું નિવેદન ચર્ચામાં
નવી દિલ્હી, તા.13: આઝાદી પછીથી વીર સાવરકરને બદનામ કરવાની એક ઝુંબેશ ચાલી હોવાનું કહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી સાવરકરના આલોચકોની આકરી ટીકા બાદ આ મુદ્દે પણ દેશનું રાજકારણ ગરમ થવા લાગ્યું છે. જેમાં આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિરોધીઓ ઉપર જોરદાર પ્રહારો કરતા સાવરકરને જ દેશમાં સૌથી મોટા રાષ્ટ્રવાદી ગણાવ્યા હતા. આ ઉપરાંત ગાંધીજીની કહેવાથી જ સાવરકરે અંગ્રેજો સમક્ષ દયાની યાચિકા કરી હોવાના રાજનાથનાં નિવેદન પછી તો તેમની ઉપર પણ વિપક્ષોએ ચોતરફથી આક્રમણ ચલાવી દીધું છે.
એક કાર્યક્રમને સંબોધતા રક્ષામંત્રીએ કહ્યું હતું કે, જેલમાં બંધ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી જ અંગ્રેજો સામે દયાની અરજી લખી હતી. સાવરકર વિશે અનેક પ્રકારનાં જૂઠાણાં ફેલાવાઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે સાવરકરે અનેકવાર દયાની અરજીઓ કરી હતી પરંતુ વાસ્તવમાં તો તેમણે બધું ગાંધીજીના કહેવાથી જ કરેલું.
રાજનાથના આ નિવેદન પછી અસદુદ્દીન ઓવૈસી અને ત્યારબાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે સવાલો ઉઠાવ્યા હતા. બધેલના કહેવા અનુસાર સાવરકર જેલમાં બંધ હતા તો તેમણે ત્યારે મહાત્મા ગાંધી સાથે વાત કેવી રીતે કરી હતી એ સમયે ગાંધીજી ક્યાં હતા સાવરકરે જેલમાં રહીને જ દયાની અરજીઓ કરી હતી અને બ્રિટિશરોનો સાથ આપતા રહ્યા હતા. 1925માં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ દ્વિરાષ્ટ્રની વાત કરનારા તે પહેલા શખસ હતા.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer