સર્વ સમાવેશક, જનસુખાકારી, રોજગારીનો વ્યાપ વધશે : મોદી

સર્વ સમાવેશક, જનસુખાકારી, રોજગારીનો વ્યાપ વધશે : મોદી
``વડા પ્રધાન ગતિ શક્તિ'' માસ્ટર પ્લાનનું લૉન્ચિંગ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં `પીએમ ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન'નો શુભારંભ ર્ક્યો હતો.  આ પ્રસંગે તેમણે અગાઉની સરકારો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી વિકાસ કાર્યોમાં વિલંબ અને વિકાસ કાર્યો પ્રત્યે સુસ્ત અભિગમ અપનાવીને કરદાતાઓનાં નાણાંનો વેડફાટ થતો હતો.
વડા પ્રધાને કહ્યું હતું કે આપણા દેશમાં માળખાકીય વિકાસનો વિષય મોટાભાગની રાજકીય પાર્ટીઓની પ્રાથમિકતાથી દૂર રહ્યો છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ એનો ઉલ્લેખ જોવા મળતો નહોતો. કેટલાક રાજકીય પક્ષો તો દેશ માટે જરૂરી માળખાકીય સંરચના નિર્માણની ટીકા કરવામાં પણ ગર્વ અનુભવે છે. પરંતુ એ તો સર્વ સ્વીકૃત છે કે ગુણવત્તાપૂર્ણ માળખાકીય સંરચનાનું નિર્માણ નિરંતર વિકાસનો માર્ગ છે જેનાથી અર્થતંત્ર સુદૃઢ બને છે અને રોજગાર ઉત્પન્ન થાય છે.સુનિયોજીત અને કાર્યાન્વિત વિકાસ કાર્યો દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અગાઉ, દરેક જગ્યાએ આપણને `વર્ક ઈન પ્રોગ્રેસ'ના બોર્ડ જોવા મળતા હતા અને લોકોને માનવા લાગ્યા હતા કે એ કામ ક્યારેય પૂરું નહીં થાય. પરંતુ અમે એમાં પરિવર્તન ર્ક્યું છે. અમે સારી રીતે યોજનાઓ તૈયાર કરી અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગતિ આણી છે.
શું છે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન?
પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન રેલવે અને રસ્તા સહિત 16 મંત્રાલયોને જોડનારો એક ડિજિટલ મંચ છે  જેમાં રેલવે, માર્ગ પરિવહન, આઈટી, ટેક્સટાઈલ, પેટ્રોલિયમ, ઊર્જા, ઉડ્ડયન જેવાં મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા વર્ષ 2024-25 સુધીમાં પૂરા થવાના છે, એ બધાને ગતિશક્તિ યોજના અંતર્ગત નાખવામાં આવશે. આ યોજના અંતર્ગત જુદાજુદા મંત્રાલય અને રાજ્ય સરકારોની માળખાકીય યોજનાઓને એક છત્ર હેઠળ આણવામાં આવશે. વડા પ્રધાને કહ્યું હતું કે આપણે આવતા પચીસ વર્ષનો પાયો નાખી રહ્યા છીએ. આ નેશનલ માસ્ટર પ્લાન 21મી સદીની વિકાસ યોજનાઓને ગતિશક્તિ આપશે અને આ યોજનાઓને સમયસર પૂરી કરવામાં મદદ કરશે. 
વડા પ્રધાને જણાવ્યું હતું કે આજે દુર્ગાષ્ટમી છે, આખા દેશમાં શક્તિ સ્વરૂપનું પૂજન થઈ રહ્યું છે. આ પુણ્ય અવસરે દેશની પ્રગતિની ગતિને પણ શક્તિ આપવાનું શુભ કાર્ય થઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય યોજના 21મી સદીના ભારતને મલ્ટિમૉડેલ કનેક્ટિવિટી અને આવનારી પેઢીને માળખાકીય સંરચના સાથે ગતિશક્તિ પ્રદાન કરશે.
છેલ્લાં સાત વર્ષમાં થયો ઝડપી વિકાસ
રેલવે વિદ્યુતીકરણ વિશે માહિતી આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે 2014 પહેલાં પાંચ વર્ષમાં ફક્ત 3000 કિલોમીટર રેલવેનું વિદ્યુતીકરણ થયું હતું. જ્યારે છેલ્લાં સાત વર્ષમાં 24,000 કિલોમીટર કરતાં વધુ રેલવેટ્રેકનું વિદ્યુતીકરણ કરાયું છે. 2004 પહેલાં  ફક્ત 60 ગ્રામપંચાયતો ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલી હતી, પરંતુ છેલ્લાં સાત વર્ષમાં 1.5 લાખ કરતાં વધુ ગ્રામપંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડી દેવામાં આવી છે. જળમાર્ગ અને સમુદ્રી વિમાન ક્ષેત્રે પણ માળખાકીય વિકાસ થયો છે. 2014માં ભારતમાં ફક્ત પાંચ જળમાર્ગ હતા, પરંતુ આજે દેશમાં 14 જળમાર્ગ કાર્યરત છે. ઉડ્ડયન ક્ષેત્રે પણ આધુનિક ઈકોસિસ્ટમ વિકસિત કરવા માટે ઝડપી ગતિથી કામ થઈ રહ્યું છે. એર-ક્નેક્ટિવિટી સુધારવા માટે નવા એરપોર્ટ બંધાઈ રહ્યા છે અને હવાઈ ક્ષેત્ર પણ ખુલી રહ્યા છે એવું તેમણે જણાવ્યું હતું.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer