નારાયણ રાણેના પત્ની અને દીકરાએ લોનની રકમ ચૂકતે કરી, લૂકઆઉટ નોટિસ પાછી ખેંચાઈ

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : એક ખાનગી નાણાકીય સંસ્થાની લોનની રકમની ચૂકવણી ન કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પત્ની નિલમ અને વિધાનસભ્ય દીકરા નિતેશ રાણે સામે ઈસ્યુ કરવામાં આવેલી લૂકઆઉટ નોટિસ હવે પાછી ખેંચી લેવામાં આવી છે. લોનની બાકી રકમ બન્ને જણ ભરી દેતા નોટિસ પાછી ખેંચી લેવાઈ હતી. 
તેમણે ડીએચએલએફ (દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ) પાસેથી લોન લીધી હતી. લોનની ભરપાઈ થઈ ગઈ છે એ વિશે ડીએચએલએફ પુણે પોલીસને જાણ કરતા પોલીસે આ લૂક આઉટ નોટિસ પાછી ખેંચી લીધી હતી. 
નારાયણ રાણેના પત્ની નિલમની માલિકી કંપની આર્ટલાઈન પ્રોપર્ટિઝ પ્રાઈવેટ લિમિટેડે ડીએચએલએફ પાસેથી પચીસ કરોડની લોન લીધી હતી. નિલમ રાણે લોનમાં કો-બોરોઅર હતા. તેમના નામે 27.13 કરોડની રકમ બાકી નીકળતી હતી. 
જ્યારે નિતેશ રાણેની માલિકીની નિલમ હોટેલ્સે પણ ડીએચએલએફ પાસેથી લોન લીધી હતી અને કંપનીના નામે 34 કરોડની રકમ બાકી નીકળતી હતી. 
આ બન્ને લોન એકાઉન્ટ્સને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર કરાતાં બન્ને સામે ગયા મહિને લૂકઆઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. જેમની સામે આ નોટિસ ઈસ્યુ કરાય છે તેઓ વિદેશ જઈ શકતા નથી અને તેમને ઍરપોર્ટ પર અટકાવી દેવામાં આવે છે.

Published on: Sat, 16 Oct 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer