કાશ્મીરમાં અથડામણો : એક આતંકવાદી ઠાર, બે જવાન શહીદ

કાશ્મીરમાં અથડામણો : એક આતંકવાદી ઠાર, બે જવાન શહીદ
શ્રીનગર, તા.15: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલતાં એનકાઉન્ટરમાં એક આતંકીને ઢાળી દેવામાં સફળતા મળી છે. મરાયેલો આતંકવાદી અનેક હુમલામાં સામેલ હોવાનું કહેવામાં આવે છે. તો પૂંચનાં મેંઢર સબડિવિઝનમાં ભાટાદૂડિયામાં ચાલતી અથડામણમાં બે જવાનો શહીદ થઈ ગયા છે. 
આજે વહીબાગ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી સુરક્ષાદળોને મળી હતી. જેનાં પગલે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ઘેરાબંધી અને તલાશીનું અભિયાન છેડયું હતું જેમાં ફસાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી નાખ્યા હતાં અને વળતી કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી.
જ્યારે પૂંચનાં ભાટાદૂડિયામાં ઘેરાબંધીમાં ફસાયેલા આતંકવાદીઓ સામે આજે સવારે ફરીથી ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. જેમાં બે રાઈફલમેન શહીદ થઈ ગયા હતાં. આ અથડામણને પગલે પૂંચ-જમ્મુ નેશનલ આઈવે ઉપર સુરનકોટથી બિંબરગલી સુધી તમામ વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે.
Published on: Sat, 16 Oct 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer