સુપર-12માં પહોંચવા આયર્લેન્ડ-નામિબિયા વચ્ચે ડૂ ઓર ડાય મૅચ

સુપર-12માં પહોંચવા આયર્લેન્ડ-નામિબિયા વચ્ચે ડૂ ઓર ડાય મૅચ
શારજાહ, તા.21: નામીબિયા અને આયરલેન્ડ ટી-20 વિશ્વ કપના ગ્રુપ એના તેમના આખરી લીગ મેચમાં શુક્રવારે આમને-સામને હશે તો તેમનું લક્ષ્ય સુપર-12ની રેસ માટે કરો યા મરો સમાન મુકાબલો હશે. બન્ને ટીમ શ્રીલંકા સામે હારી ચૂકી છે અને નેધરલેન્ડસ સામે જીતી ચૂકી છે. બન્નેના ખાતામાં 2-2 અંક છે. ગ્રુપ એમાં શ્રીલંકા સુપર-12માં પહોંચી ચૂકી છે અને નેધરલેન્ડસ રેસની બહાર થઇ ચૂકી છે. હવે આ મેચની વિજેતા સુપર-12માં પહોંચનારી ગ્રુપ એની બીજી ટીમ બનશે.
આયરલેન્ડની ટીમને તેના બેટસમેનો પાસેથી સારા દેખાવની આશા રહેશે. જેમણે પહેલા મેચમાં ડચ ટીમ વિરૂધ્ધ સારું પ્રદર્શન કર્યું હતું, પણ શ્રીલંકા સામે ટકી શકયા ન હતા.
કેપ્ટન એન્ડ્રુ બાલબર્ની સિવાય આયરલેન્ડનો કોઇ બેટસમેન શ્રીલંકાની બોલિંગ લાઇનઅપનો સામનો કરી શકયો ન હતો. આથી 70 રને કારમી હાર મળી હતી. આઇરીશ બોલરો કર્ટિસ કેમ્ફર (ચાર દડામાં ચાર વિકેટ), જોશુઆ લિટિલ (પાંચ વિકેટ) અને માર્ક એડર (પાંચ વિકેટ)એ સારો દેખાવ કર્યોં છે. તેમણે ફરી નામીબિયા સામે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે.
બીજી તરફ નેધરલેન્ડસ વિરૂધ્ધ વિશ્વ કપમાં પહેલી જીત મેળવીને નામીબિયા આત્મવિશ્વાસમાં છે. પહેલા મેચમાં 96 રનમાં ડૂલ થઇ જનાર નામીબિયાએ બીજા મેચમાં 165 રનનું લક્ષ્ય એક ઓવર બાકી રહેતા હાંસલ કરી લીધું હતું. અનુભવી ઓલરાઉન્ડર ડેવિડ વીસેએ શાનદાર દેખાવ કર્યોં હતો. તે ફરી આયરલેન્ડ સામે નામીબિયા માટે હુકમનો એક્કો બની શકે છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer