ડૉલરની નબળાઇથી સોનામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 : સોનાના ભાવમાં સળંગ ત્રીજા દિવસે સુધારો આવ્યો હતો. ડોલરમાં નબળાઇને લીધે સોનામાં સલામત રોકાણ માટે માગ રહી હતી. ફુગાવો અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યો છે ત્યારે વ્યાજદરોમાં પણ આવનારા દિવસોમાં વધારો જોવા મળશે એ કારણે સાવચેતીભર્યા વેપાર ઉંચા મથાળે થઇ રહ્યા છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1780 ડોલરની સપાટીએ હતો. જ્યારે ચાંદી 24.08 ડોલરના સ્તરે હતી. 
વધતો જતો ફુગાવો મધ્યસ્થ બેંકોને વ્યાજદરમાં સમય કરતા વધારે ઝડપથી વધારો કરવા પ્રેરશે એમ જાણકારો માની રહ્યા છે. ચાલુ મહિનામાં એકંદરે સોનાના ભાવ 1748થી 1800 ડોલરની વચ્ચે રહ્યા છે. ગુરુવારે ડોલરનું મૂલ્ય ત્રણ અઠવાડિયાની તળિયાની સપાટીએ હતુ. એ કારણે સોનામાં સુધારો થયો હતો. ડેઇલી એફએક્સના વિષ્લેષક કહે છે, સોનાની બજાર અત્યારે ડાયરેક્શન વિનાની થઇ ગઇ છે. હવે બોન્ડ યીલ્ડ અને ડોલરનું મૂલ્ય કઇ તરફ જશે તે સ્પષ્ટ નથી એટલે અથડાશે. જોકે ફેડ વધતા ફુગાવાને હવે લક્ષ્યમાં લેશે એવો છૂપો ભય છે એટલે સરળ નાણાનીતિનો અંત હવે નજીકમાં છે. એમ થાય તો સોનાની બજારમાં તેજી ટકવી મુશ્કેલ છે. અત્યારે તો કોઇ સ્પષ્ટ ડાયરેક્શન સોનાને મળે તેમ નથી. બોન્ડ ટેપરીંગ આવતા પણ ડિસેમ્બર મહિનો લાગી જાય તેમ છે. 
ડોલરની નબળાઇ સામે બીજી તરફ અમેરિકાના દસ વર્ષના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ પાંચ મહિનાની તળિયાની સપાટીએ હતા. બુલિયન બજારમાં એ કારણે તેજી વધુ આગળ ચાલી શકી ન હતી. બુધવારે બે ફેડરલ રિઝર્વના ચેરમેનોએ એમ કહ્યું હતુ કે, મધ્યસ્થ બેંક હવે ઉદ્દીપક પેકેજરુપેના કેટલાક પગલા પાછા ખેંચશે અને આ સમય બહુ ઝડપથી આવી શકે છે. 
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 100 વધીને રૂ. 49200 અને મુંબઇમાં રૂ. 79 ઘટીને રૂ. 47469 રહ્યો હતો. ચાંદી એક કિલોએ રૂ. 550ના ઘટાડામાં રૂ. 65600 તથા મુંબઇમાં રૂ. 504 સુધરીને રૂ. 65000.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer