ટેક્સ્ટાઈલ એકમો માટે પૉઈન્ટ્સ આધારિત ગ્રેડિંગ સિસ્ટમ લાગુ થશે

ટેક્સ્ટાઈલ એકમો માટે પૉઈન્ટ્સ આધારિત ગ્રેડિંગ સિસ્ટમ લાગુ થશે
નવી દિલ્હી, તા. 21 : મેન મેઈડ ફાઈબર (એમએમએફ) અને ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ માટેની રૂા. 10,683 કરોડની પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ માટેની એકમોની પસંદગીમાં પૉઈન્ટ આધારિત ગ્રેડિંગ સિસ્ટમ અપનાવવાની ભલામણ ટેક્સ્ટાઈલ મંત્રાલયે કરી છે. જે ઉત્પાદકો રોજગારીની વધુ તકો ઊભી કરી શકે, નાનાં શહેરોમાં વસતા હોય, નાણાકીય રીતે સદ્ધર હોય, અનુભવ અને ટેક્નિકલ ક્ષમતા ધરાવતા હોય, સિંગલ સેગમેન્ટના બદલે ઈન્ટિગ્રેટેડ પ્રોડકશનમાં રોકાણ કરી શકે તેને પ્રથમ પસંદગી આપવાનું સૂચન છે.
બધા હિતધારકો પાસેથી સલાહસૂચના મળ્યા બાદ સ્કીમ માટેની ડ્રાફટ માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. ટેક્સ્ટાઈલ મંત્રાલયે ખાતરી આપી છે કે જો ઈન્સેન્ટિવ માટે ટર્નઓવરની લઘુતમ ટોચમર્યાદા લિમિટ અમુક વર્ષમાં હાંસલ ન થાય તો અરજદાર તે ખાસ વર્ષમાં ઈન્સેન્ટિવ ગુમાવશે. પણ પાછળના વર્ષોમાં જો તે પાત્રતા ધોરણ હાંસલ કરશે તો તેને ઈન્સેન્ટિવનો દાવો કરતા રોકવામાં આવશે નહીં.
ફાળવણીના યોગ્ય રકમથી અરજીઓની સંખ્યા વધી જાય ત્યારે આ ગ્રેડિંગ સિસ્ટમ મહત્ત્વની સાબિત થશે.
સરકારને આશા છે કે આ સ્કીમના પરિણામે રૂા. 19,000 કરોડથી વધુ નવું રોકાણ આકર્ષી શકાશે, એકત્રિત ટર્નઓવર રૂા. ત્રણ લાખ કરોડથી વધી જશે, વધારાની સીધી રોજગારી 7.5 લાખ લોકોને અને આડકતરી રોજગારી અમુક લાખ વધુ લોકોને આપી શકાશે.
પસંદગી કમિટીના અધ્યક્ષપદે ટેક્સ્ટાઈલ સેક્રેટરી રહેશે. નીતિ આયોગ અને ડીપીઆઈઆઈટીના પ્રતિનિધિઓ સમિતિમાં હશે.
કેન્દ્ર સરકાર સ્કીમમાં અમુક લવચીકતા લાવવા માગે જેથી `ઈકોનોમી અૉફ સ્કેલ' (જંગી કદ)નું મહત્ત્વ ઘટી ન જાય. દા.ત. સ્કીમ હેઠળ પ્રોજેક્ટના પ્લાન્ટ, મશીનરી, ઈક્વિપમેન્ટ જે હશે તે સ્કીમ હેઠળ નોટીફાઈડ થઈ ન હોય તેવી આઈટમોના ઉત્પાદન માટે પણ વાપરી શકાશે.
જો નવું રોકાણ કરાય તો કેસમાં એસોસિએટેડ યુટિલિટીઝના વપરાશની પણ વર્તમાન ઉત્પાદકને છૂટ અપાશે. આમ છતાં જો રોકાણ અગાઉથી થઈ ગયું હોય તો તેને સ્કીમ હેઠળ ગણતરીમાં લેવાશે નહીં.
ખાસ કંપની નોટીફાઈડ ઉત્પાદનોના ઉત્પાદન માટે એકથી વધુ એકમ સ્થાપી શકશે, પણ ડ્રાફટ માર્ગદર્શિકા પ્રમાણે તેમની અરજીમાં આવી અગાઉથી જાહેરાત થયેલી હોવી જોઈએ.
2021-22ના કેન્દ્રીય બજેટમાં કુલ 13 ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કીમ જાહેર કરાઈ હતી. આ માટે કુલ રૂા. 1.97 લાખ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ હતી.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer