એશિયન પેઈન્ટ્સનો ત્રિમાસિક નફો 28 ટકા ઘટયો

એશિયન પેઈન્ટ્સનો ત્રિમાસિક નફો 28 ટકા ઘટયો
કંપની શૅરદીઠ રૂ.3.65 ડિવિડંડ આપશે
મુંબઈ, તા. 21 : એશિયન પેઈન્ટ્સનો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 28 ટકા ઘટીને રૂ.595.96 કરોડ થયો છે. કંપનીના બોર્ડે શૅરદીઠ રૂ.3.65ના વચગાળાના ડિવિડંડની મંજૂરી આપી છે. 
સૂચિત ત્રિમાસિકમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 32.6 ટકા વધીને રૂ.7096 કરોડ થઈ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીનો ખર્ચ વધતા આવકમાં ઘટાડો થયો હતો. કાચા માલનો ખર્ચ 73 ટકા વધવાથી કંપનીનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 49 ટકા વધીને રૂ.6418.2 કરોડ થયો હતો. જોકે, ટૅક્સ ખર્ચમાં 25 ટકાનો ઘટાડો થયો છે. અન્ય આવક 67 ટકા વધી છે. 
કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર અમિત સાયગલે કહ્યું કે કાચા માલના ભાવમાં નોંધપાત્ર ફુગાવો આ વર્ષની શરૂઆતથી જ જોવા મળી રહ્યો છે. પરિણામે કંપનીની નફાશક્તિ ઉપર અસર પડી રહી છે. વધતા ફુગાવાને ધ્યાનમાં લેતાં કંપની વિવિધ ઉત્પાદનોના ભાવમાં વધારો કરશે. આગામી ત્રિમાસિકમાં પરિસ્થિતિ સુધરશે એવો વિશ્વાસ છે. 
કાચા માલના ખર્ચમાં વધારો થવાથી કંપનીનો એકત્રિત કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 28.5 ટકા ઘટીને રૂ.904.4 કરોડ થયો છે. આજે સત્રના અંતે એશિયન પેઈન્ટ્સનો શૅર ભાવ 154.60 પોઈન્ટ્સ (4.88 ટકા) ઘટીને રૂ.3015ના સ્તરે બંધ રહ્યો હતો.

Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer