આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી હાઈ કોર્ટ મંગળવારે કરશે

મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : સ્પેશિયલ કોર્ટે ક્રૂઝ શિપ પરની ડ્રગ પાર્ટીના કેસના આઠ આરોપીઓની અદાલતી કસ્ટડી ગુરુવારે 30 અૉક્ટોબર સુધી લંબાવી હતી. આ આરોપીઓમાં અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો પણ સમાવેશ છે. આ કેસમાં અત્યાર સુધી આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 
બીજી તરફ મુંબઈ હાઈ કોર્ટે આર્યન ખાનની જામીન અરજીની 26 અૉક્ટોબરે સુનાવણી કરવાનો ફેંસલો કર્યો છે. આર્યન ખાનના વકીલ સતીશ માનાશિંદેએ જસ્ટિસ એન.ડબ્લ્યુ. સામબ્રેની સિંગ બૅન્ચ સમક્ષ અરજી મેન્શન કરી હતી. માનાશિંદેએ શુક્રવારે અરજીની અર્જન્ટ સુનાવણીની માગણી કરી હતી. 
જોકે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે આવતા અઠવાડિયા સુધીનો સમય માગ્યો હતો. જજે અરજીની સુનાવણી 26 અૉક્ટોબરના કરવાની જાહેરાત કરી હતી. એ દિવસે કોર્ટ આ કેસની અન્ય આરોપી મુનમુન ધામેચાની જામીન અરજીની પણ સુનાવણી કરશે. 
આર્યન ખાનના વકીલે અરજી મેન્શન કરી ત્યારે તેમણે કહ્યું હતું કે એક સિનિયર કાઉન્સેલ આ કેસમાં દલીલ કરવાના હોવાથી સુનાવણી અૉનલાઈન પણ રાખવામાં આવે. આનો એ મતલબ કાઢવામાં આવી રહ્યો છે કે શાહરુખ ખાને મુંબઈ બહારના કોઈ સિનિયર કાઉન્સેલની આ કેસમાં નિમણૂક કરી હોવી જોઈએ. 
જોકે, કોર્ટે અૉનલાઈન સુનાવણીની વિનંતી ઠુકરાવી દીધી હતી એટલે આર્યન ખાન વતી કોર્ટમાં કોણ દલીલો કરશે એ વિશે કાનૂની વર્તુળમાં અટકળોની શરૂઆત થઈ હતી. 
પહેલાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં અને પછી સ્પેશિયલ કોર્ટમાં જામીન માટે આર્યન ખાન વતી સતીશ માનશિંદેએ દલીલો કરી હતી અને બન્ને કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. આને પગલે હાઈ કોર્ટમાં પણ જામીન અરજીની આવી જ ગત ન થાય એ માટે શાહરુખે વકીલ બદલવાનું કદાચ વિચાર્યું હોય એવું સૂત્રોનું માનવું છે.
આર્થર રોડ જેલમાં શાહરુખ દીકરા આર્યનને મળ્યો 
મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપ પર ચાલતી ડ્રગ પાર્ટીના કેસમાં પકડવામાં આવેલા અને એ સંદર્ભમાં અત્યારે આર્થર રોડ જેલમા બંધ દીકરા આર્યન ખાનને મળવા શારુખ ખાન ગુરુવારે સવારે જેલમાં ગયો હતો અને લગભગ 15-20 મિનિટ સુધી તેની સાથે વાતો કરી હતી. 
આર્યન ખાનની ત્રીજી અૉક્ટોબરે ધરપકડ થઈ એ બાદ પિતા-પુત્રની આ પહેલી મુલાકાત હતી. સૂત્રોએ કહ્યું હતું કે મુલાકાત દરમિયાન આર્યન ખાન રડી પડ્યો હતો અને શાહરુખે તેને સંત્વના પણ આપી હતી. 
સવારે નવ વાગ્યે શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો હતો અને 9.35 વાગ્યે ત્યાંથી રવાના થઈ ગયો હતો. જેલના દરવાને અભિનેતાનું આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તપાસ્યા હતા અને પછી જ તેને એક ટોકન આપી અંદર જવા દેવાયો હતો. મુલાકાત રૂમમાં શાહરુખ અને આર્યન વચ્ચે ગ્લાસની પૅનલ હતી અને બન્નેએ ઈન્ટરકોમ પર વાત કરી હતી. એ સમયે ત્યાં ચાર ગાર્ડ્સ પણ હાજર હતા. શાહરુખ ખાનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નહોતી.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer