પોલીસ બદલી પ્રકરણમાં સીબીઆઈના વડાને સંભવિત આરોપી ગણવાની જરૂર : મહારાષ્ટ્ર સરકાર

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામેની કેન્દ્રીય તપાસ સંસ્થાની જાંચમાં સીબીઆઈના ચીફ સુબોધ જયસ્વાલને સંભવિત આરોપી  ગણવાની જરૂર છે એવું રાજ્ય સરકારે ગુરુવારે હાઈ કોર્ટેને કહ્યું હતું. 
રાજ્ય સરકાર વતી દલીલ કરતાં સિનિયર કાઉન્સેલ ડેરિયસ ખંભાતાએ કહ્યું હતું કે 2019થી 2020 દરમિયાન સુબોધ જયસ્વાલ જ્યારે રાજ્યના પોલીસ ચીફ હતા ત્યારે તેઓ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ સાથે સંકળાયેલા હતા. આમ તેઓ પોલીસોની ટ્રાન્સફર અને પોસ્ટિંગ્સ વિશે પણ નિર્ણયો લેતા હતા જેની તપાસ સીબીઆઈ અત્યારે કરી રહ્યું છે. 
આ તપાસ પ્રકરણમાં સીબીઆઈએ રાજ્યના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને રાજ્યના વર્તમાન પોલીસ ચીફ સંજય પાંડેને સમન્સ મોક્લ્યા છે અને આ સમન્સ રદ કરવા રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં અરજી કરી છે. 
રાજ્ય સરકારે કોર્ટને કહ્યું હતું કે રાજ્યના પોલીસ વડા તરીકે સુબોધ જયસ્વાલ તમામ ટ્રાન્સફર અને પોસ્ટિંગ્સને મંજૂરી આપતા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે સીબીઆઈ અનિલ દેશમુખના કાળમાં થયેલી આ ટ્રાન્સફર અને પોસ્ટિંગ્સ વિશે તપાસ કરી રહ્યું છે અને તેથી સીબીઆઈએ તપાસ માટે હવે સુબોધ જયસ્વાલને બોલાવવા જોઈએ. તેઓ આ આખા પ્રકરણના કેન્દ્રમાં છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer