કાશ્મીરમાં બે ફાઇલ મંજૂર કરવા 300 કરોડ અૉફર થયા હતા : મલિકનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 21 :  મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એક વાર ભાજપ પર નિશાન તાક્યું છે અને જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો નથી એટલે બધું સ્પષ્ટ બોલી શકે છે. તેમણે સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે પોતે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમની પાસે અંબાણીની બે ફાઈલ આવી હતી અને તેને મંજૂર કરવા માટે દોઢ સો કરોડ રૂપિયાની ઓફ થઈ હતી પણ મે બંને ફાઈલ નકારી કાઢી હતી. 
મલિકે જણાવ્યું હતું કે કાશ્મીરથી પરત ફર્યા બાદ મેં કિસાનો માટે બિનધાસ્ત અભિપ્રાય રજૂ કર્યો હતો. જો હું કાશ્મીરમાં કંઈ કરી લેત તો મારા ઘરે ઈડીની ટીમ પહોંચી ગઈ હોત,આયકરવાળા પહોંચી ગયા હોત.
આજે હું છાતી ઠોકીને કહી શકું છું કે પીએમ પાસે બધી એજન્સીઓ છે. મારી બધી તપાસ કરાવી લે. કંઈ નહીં મળે. હું આવો જ બિનધાસ્ત રહીશ.
તેમણે આક્ષેપ કર્યો હતો કે હું કાશ્મીર ગયો એ સાથે જ મારી પાસે બે ફાઈલ આવી ગઈ. એક મુકેશ અંબાણીની હતી અને બીજી ફાઈલમાં સંઘના મોટા અધિકારી સંકળાયેલા હતા. એક મહેબૂબાના મંત્રાલયના નજીકના મંત્રી હતા. એક વડાપ્રધાનના નિકટના હતા. મને ખ્યાલ આવ્યો કે બંનેમાં મોટો ગોટાળો છે તો મેં બંને ફાઈલ રદ કરી નાખી. 
મને બતાવવામાં આવ્યું કે દરેક ફાઈલ મંજૂર કરવા બદલ મને દોઢ સો કરોડ રૂપિયા મળી શકે છે પણ મેં સમજૂતી રદ કરી નાખી.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer