હિંદમાતા ખાતે અંડરગ્રાઉન્ડ વૉટર ટૅન્કની ક્ષમતા વધારાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈ પાલિકાએ દાદરમાં પ્રમોદ મહાજન ઉદ્યાન અને પરેલમાં સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડમાં અંડરગ્રાઉન્ડ વૉટર સ્ટોરેજ ટેન્કની ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે, જે રકાબીના આકારમાં અને નીચાણવાળા હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાતું અટકાવવા માટે 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. આ વિસ્તરણ યોજનાને કારણે પાલિકાને વધારાના 67 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
પાલિકાએ મંગળવારે દાદર અને પરેલમાં અનુક્રમે 33 કરોડ રૂપિયા અને 34 કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ ટેન્કના વિસ્તરણ કરવા અંગેના ટેન્ડર જારી કર્યા હતા.
હિંદમાતા ખાતે પૂરની પરિસ્થિતિનો નીવેડો આવવો જોઇએ પણ હરિયાળા સ્થળોના ભોગે નહીં. આમેય શહેરમાં ખૂલી જગ્યાની ભારે અછત છે, શહેર માટે પાર્ક અને રમતનાં મેદાનો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પાલિકા આ અગાઉ અંડરગ્રાઉન્ડ વૉટર ટેન્ક માટે 130 કરોડ રૂપિયા ખર્ચી ચૂકી હોવા છતાં હિંદમાતા ખાતે આ વરસે પાણી ભરાયાં હતાં.
જોકે, એક્ટિવિસ્ટોને ડર છે કે હવ પછી થનારા ખોદકામને કારણે બે ખુલ્લી જગ્યા હંમેશ માટે ગુમાવવા પડે. જો ઉદ્દેશ હોલ્ડિંગ ટેન્ક બનાવવાનો હોય તો એને જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય એવા રસ્તાઓની નીચે કે કિનારે પણ બનાવી શકાય છે. કુદરતી જમીન ખોદવી, જે વરસાદી પાણીને વહી જવાની સુવિધા આપે છે, એના પર સિમેન્ટનો થર કરવાથી ખુદનો પરાજય કરવા જેવી વાત થઈ, એમ એક્ટિવિસ્ટ જોરુ બથેનાએ જણાવ્યું હતું.
મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું કે 300 મિમિ જેટલો ભારે વરસાદ પડે એ દરમિયાન ટેન્કમાં પાણી ચાર કલાક સુધી સ્ટોર કરવાની ક્ષમતા છે. પ્રમોદ મહાજન ઉદ્યાનની ટેન્કમાં 60 હજાર ક્યુબિક મીટર અને સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ ટેન્કમાં 40 હજાર ક્યુબિક મીટર પાણી સંગ્રહી શકાય છે, પરંતુ અધિકારીએ જણાવ્યું કે 30 હજાર ક્યુબિક મીટર હોલ્ડિંગ ક્ષમતા હજુ તૈયાર થઈ નથી. એનો મતલબ છે કે હાલની ટેન્ક 70-80 મિમિ જેટલા ભારે વરસાદ દરમિયાન દોઢ કલાક સુધી પાણીને રોકી શકે છે.
ભાજપે અગાઉ અંડરગ્રાઉન્ડ વૉટર ટેન્ક યોજનામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો કારણે પાલિકાએ ટેન્ડર મગાવ્યાં વિના કૉન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું.
પાલિકાએ આ પ્રકારના ઉચ્ચ ટેક્નિકલ કામ સોંપવા પહેલાં પ્રોજેક્ટની બહેતર પ્લાનિંગ કરવાની જરૂર હતી. એ સાથે ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરવું જોઇતું હતું. આ કામ આપવા પાછળનો એકમાત્ર હેતુ પૂર નિયંત્રણના નામે પૈસાની ગોલમાલને પરવાનગી આપવા જેવું છે. હવે પાલિકા ટેન્ડર લઈને આવી છે ત્યારે કૉન્ટ્રાક્ટરોની મોટી કાર્ટેલ બની હોવાનું ભાજપના નગરસેવક વિનોદ મિશ્રાએ આક્ષેપ કરતાં કહ્યું હતું. પાલિકાએ મોટા દાવાઓ કર્યા હતા કે હિંદમાતા ખાતે પૂર નહીં આવે, પણ બધા દાવા વરસાદનાં પાણીમાં ધોવાઈ ગયા. આ વરસે પણ હિંદમાતા ખાતે પૂર આવ્યું અને આવતા વરસે પણ આવશે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer