ભ્રષ્ટાચાર સામે નિ:સંકોચ કાર્યવાહી કરો : વડા પ્રધાન

સીવીસી ને સીબીઆઈની જોઈન્ટ કૉન્ફરન્સને સંબોધતા મોદી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓને ભ્રષ્ટાચાર સામે નિસંકોચ કાર્યવાહી કરવા અને દેશ સામે ગુનો કરનારાઓને ક્યાંય પણ આશ્રય ન મળે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
બુધવારે કેવડિયામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) અને સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની વર્ચ્યુઅલ જોઈન્ટ કૉન્ફરન્સને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે એમની સરકાર ભ્રષ્ટાચાર માટે મુખ્યત્વે જવાબદાર એવા `નો અૉબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)'ની પૂર્તતા અને આવશ્યકતા હજી વધુ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. 
વડા પ્રધાને કહ્યું હતું કે કાયદા એવી રીતે લાગુ કરવાની જરૂર છે કે ગરીબો સિસ્ટમ સાથે જોડાય અને ભ્રષ્ટાચારીઓ દૂર થાય. ભ્રષ્ટાચારને ખતમ કરવાની નવા ભારતની નીતિને સુદૃઢ કરવાની જરૂર છે. તેમણે હ્યું હતું કે નવું ભારત ભ્રષ્ટાચાર પર લગામ તાણવા ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર વધુને વધુ ભાર મૂકી રહ્યું છે.
છેલ્લાં છ-સાત વર્ષમાં તેમની સરકાર લોકોમાં વિશ્વાસ જગાડવામાં સફળ થઈ છે કે દેશમાં ભ્રષ્ટાચારને રોકવો શક્ય છે અને વચેટિયાની સંડોવણી વગર સરકારની વિવિધ યોજનાઓનો લાભ યોગ્ય લોકોને મળી શકે છે એવું તેમણે કહ્યું હતું.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer