ગુજરાત કૉંગ્રેસના નેતાઓ આજે રાહુલ ગાંધીને મળશે

આનંદ કે. વ્યાસ તરફથી 
નવી દિલ્હી, તા. 21 : ગુજરાત કૉંગ્રેસના નેતા રાજ્યની પ્રદેશ કૉંગ્રેસ કમિટીના નવા ચહેરા સંબંધી ચર્ચા માટે શુક્રવારે દિલ્હીમાં પક્ષના નેતા રાહુલ ગાંધીની મુલાકાત લેવાના છે. છ મહિના પહેલાં ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને કૉંગ્રેસ વિધાયક દળના નેતા પરેશ ધનાણીએ  પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં. 
ગુજરાતમાં પાર્ટીના નવા ચહેરા માટે રાહુલ ગાંધી શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાઇ છે. હાલના રાજકારણનાં સમીકરણો જોતા ભાજપે હાલમાં જ પાટીદાર સમાજનો વિશ્વાસ મેળવવા મુખ્ય પ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલને સત્તા સોંપ્યા બાદ કૉંગ્રેસ પણ કમિટીના નવા ચહેરા માટે પાટીદાર પર દાવ ખેલશે એવી ચર્ચાએ જોર પકડયું છે. હાલમાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, રાજ્યસભા સાંસદ શકિતસિંહ ગોહિલ પ્રદેશના પ્રમુખ પદ માટે દાવેદાર મનાય છે. હાર્દિક પટેલ માટે કૉંગ્રેસમાં મતભેદ છે. જોકે, અંતિમ નિર્ણય હાઇ કમાન્ડનો રહેશે. 
છેલ્લી ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપવા છતાં કૉંગ્રેસે હારનો સ્વાદ ચાખ્યો હતો તેથી તે આ વખતે પાર્ટી પૂર્વ તૈયારી કરવા માગે છે. વર્ષ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ એક સશકત નવા ચહેરાને લાવવા માગે છે. 
અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના રાજ્યસભાના સભ્ય અને સાંસદ રાજીવ સાતવનું મે 2021માં નિધન થયા બાદ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવાયા હતા. પક્ષને સ્થાનિક ચૂંટણીઓમાં પણ હારનો સામનો કરવો પડયો છે.
 આગામી ચૂંટણીમાં અન્ય વિપક્ષો કૉંગ્રેસ માટે પડકાર રહેશે, ત્યારે કૉંગ્રેસની યોજાનારી બેઠકમાં રાજ્યના વરિષ્ઠ નેતા અને રાજ્યના પાર્ટી પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહેશે.  
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer