કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો

1 કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને મોદી સરકારની દિવાળી ભેટ
નવી દિલ્હી, તા.21 : કાળઝાળ મોંઘવારીના દૌરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ સમાન તેમના ડીએમાં 3 ટકાનો વધારો કરાયો છે. ગુરૂવારે મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરાયો હતો. આ વધારા સાથે ડીએ હવે 31 ટકા થયુ છે. કર્મચારીઓને હવે તેમના બેઝિક પે ના 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
ડીએમાં 3 ટકાનો વધારાનો અર્થ એ છે કે હવે મોંઘવારી ભથ્થું (ડીએ) 31 ટકા હશે. આ વધારાનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપી જણાવ્યું કે આ નિર્ણયથી સરકારને દર વર્ષે રૂ.9488.70 કરોડનો ખર્ચ થશે. આ વધારો 1 જૂલાઈ, 2021થી લાગૂ થશે. 
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂલાઈમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરી 28 ટકા કર્યું હતું. આ પહેલા ડીએની ચૂકવણી 17 ટકાના દરે કરાતી હતી. મોંઘવારી ભથ્થામાં વધારાની અન્ય એલાઉન્સને પણ અસર થશે.
ટ્રાવેલ એલાઉન્સ અને સીટી એલાઉન્સ તેમાં સામેલ છે. નિવૃત્તિ માટે પીએફ અને ગ્રેચ્યુઈટીમાં પણ વધારો થશે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer