રસીકરણમાં ગુજરાત અગ્રેસર

ત્રણ કૉર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા વૅક્સિનેશન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 :  આજે 100 કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને ભારતે વિશ્વને અચંબીત કરી દીધું છે એ માટે દેશવાસીઓ વતી નરેન્દ્ર મોદી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અભિનંદન આપ્યા હતા. 
ગુજરાત પ્રતિ દસ લાખ રસીકરણ ક્ષેત્રે દેશમાં અગ્રેસર હોવાનું જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આરોગ્ય કર્મીઓને પણ અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 90 ટકા પ્રથમ ડોઝ આપી દેવાયા છે અને બીજા ડોઝમાટે પાત્રતા ધરાવતા લોકોનું ટ્રાકિંગ અને ટ્રાસિંગ કરીને બીજા ડોઝ આપવાનો પ્રયાસ હાથ ધરાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ છે. 
આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશમાં આજે તા.21 ઓકટોબર સવારે 10 વાગ્યા સુધી કોવિડ-19 રસીના પ્રથમ ડોઝ 70,83,18,703 અને બીજો ડોઝ 29,16,97,011 મળીને કુલ 100 કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતમાં તમામ જુથોના 4,41,65,347 લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 2,35,06,129 લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ 6.76 કરોડથી વધુ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer