રશ્મી શુક્લા આરોપી છે કે કેમ એ વિશે પોલીસ સોમવારે કોર્ટમાં સ્પષ્ટતા કરશે

રશ્મી શુક્લા આરોપી છે કે કેમ એ વિશે પોલીસ સોમવારે કોર્ટમાં સ્પષ્ટતા કરશે
ગેરકાયદે ફોન ટાપિંગ અને દસ્તાવેજો લીક કરવાનો કેસ 
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : ગેરકાયદે ફોન ટાપિંગ કેસમાં તથા પોલીસોના ટ્રાન્સફર તથા પોસ્ટિંગ્સ વિશેનો ગુપ્ત રિપોર્ટ લીક કરવા બદલ સિનિયર આઈપીએસ અૉફિસર રશ્મી શુક્લને તમે આરોપી બનાવવા માગો છો કે કેમ એ વિશે ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ પોલીસ પાસેથી ખુલાસો માગ્યો હતો. 
આ કેસમાં એફઆઈઆર છેક માર્ચ મહિનામાં નોંધવામાં આવી હતી. એટલે આ કેસ તપાસ કેટલી આગળ વધી છે એ પણ 25મી અૉક્ટોબર સુધી જણાવવાનો ડિવિઝન બૅન્ચે  મુંબઈ પોલીસને આદેશ આપ્યો હતો. 
આ એફઆઈઆરને રદ કરવા રશ્મી શુક્લાએ હાઈ કોર્ટમાં અરજી કરી છે અને ગુરુવારે ડિવિઝન બૅન્ચ આ અરજીની સુનાવણી કરી રહી હતી. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની પણ અરજીમાં રશ્મી શુક્લાએ માગણી કરી છે. અરજીમાં તેમણે કહ્યું છે કે સીબીઆઈ આ મુદ્દા વિશે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસ કરી રહી છે એટલે આ તપાસ પણ સીબીઆઈને સુપરત કરવી જોઈએ. 
રશ્મી શુક્લાના કાઉન્સેલ મહેશ જેઠમલાનીએ બૅન્ચને કહ્યું હતું કે મુંબઈ પોલીસે જે એફિડેવિટ ફાઈલ કરી છે એમાં એવું જણાવાયું છે કે એફઆઈઆરમાં રશ્મી શુક્લાને આરોપી બતાવવામાં આવ્યા નથી. આના જવાબમાં સરકારી સિનિયર કાઉન્સેલ ડરિયસ ખંભાતાએ કહ્યું હતું કે રશ્મી શુક્લાને અત્યારે આરોપી બતાવવામાં આવ્યા નથી એ વાત સાચી છે. અત્યારે આ સંવેદનશીલ દસ્તાવેજો કોણે લીક કર્યા એની તપાસ ચાલુ છે. 
આને પગલે બૅન્ચે કહ્યું હતું કે રશ્મી શુક્લને આરોપી ન બનાવાયાં હોય અને પોલીસ તેમને આરોપી પણ બનાવવા માગતી ન હોય તો આ કોર્ટે આ અરજીની સુનાવણી કરવા પાછળ સમય વેડફવાની જરૂર જ નથી. પોલીસે આ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર છે. હવે આ કેસની આગામી સુનાવણી 25મી અૉક્ટોબરના થશે. 
રશ્મી શુક્લાએ તેમની અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે મેં પોલીસોના ટ્રાન્સફર અને પોસ્ટિંગ્સમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશેનો રિપોર્ટ ફાઈલ કર્યો એટલે મને મહારાષ્ટ્ર સરકાર બલીનો બકરો બનાવી રહી છે અને મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. 
અરજીમાં તેમણે કહ્યું છે કે હું સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ચીફ હતી ત્યારે મેં આ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એ તૈયાર કરતાં પહેલાં રાજ્ય સરકાર એડિશનલ ચીફ સેક્રેટરીની જરૂરી પરમિશન પણ લીધી હતી. રિપોર્ટમાં રશ્મી શુક્લાએ પોલીસોની ટ્રાન્સફર અને પોસ્ટિંગ્સમાં  પ્રધાનો અને રાજકારણીઓ દ્વારા આચરવામાં આવતાં ભ્રષ્ટાચારનો પર્દાફાર્શ કર્યો હતો. રશ્મી શુક્લા અત્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ- સાઉથ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ છે અને તેઓ હૈદરાબાદમાં ફરજ બજાવી રહ્યા છે. 
ગરેકાયદે રીતે ફોન ટૅપ કરવા બદલ તથા ચોક્કસ ગુપ્ત દસ્તાવેજ લીક કરવા બદલ રશ્મી શુક્લા સામે બીકેસી સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે.

Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer