હવાઈ ક્રાંતિ : વિમાનમાં ફોન કોલ અને હાઈસ્પીડ ઈન્ટરનેટ હાથવગું

હવાઈ ક્રાંતિ : વિમાનમાં ફોન કોલ અને હાઈસ્પીડ ઈન્ટરનેટ હાથવગું
ગ્લોબલ એકસ્પ્રેસ મોબાઈલ બ્રોડબેંડ સર્વિસીસનું આગમન
નવી દિલ્હી, તા.21 : હવે મોબાઈલ ફોનમાં ફલાઈટ મોડનો જમાનો વીતી ચૂકયો છે. એ દિવસો દૂર નથી જ્યારે ચાલુ વિમાને હાઈસ્પીડ ઈન્ટરનેટ યૂઝ કરવા સાથે ટેલીફોનિક વાતચીત કરી શકાશે.
ફલાઈટમાં મુસાફરી દરમિયાન ઈમેઈલ, ચેટ તપાસવા સાથે જરૂરી કામ ઓનલાઈન પૂર્ણ કરી શકાશે. ઉડાન વખતે પરિચીતો સાથે ટેલીફોનિક વાતચીત સુગમ બનશે. સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલને દેશમાં ઈનમારસૈટનું ગ્લોબલ એકસપ્રેસ (જીએકસ) મોબાઈલ બ્રોડબેંડ સર્વિસીઝ માટે લાયસન્સ મળી ગયું છે. જેથી ઈનમારસૈટ ટર્મિનલનો ઉપયોગ કરીને એરલાઈન માટે ઉડાનો દરમિયાન અને સમુદ્રી જહાજોમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. 
મોબાઈલ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની ઈનમારસૈટના મેનેજમેન્ટ ડાયરેકટર ગૌતમ શર્માએ કહ્યં કે સ્પાઈસ જેટ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પહેલેથી જ જીએકસ સર્વિસીઝ માટે કરાર કરી ચૂકયા છે. તેથી 50 એમબીપીએસની સ્પીડ મળશે. ટૂંક સમયમાં એરલાઈન્સ કંપનીઓ દેશ-વિદેશમાં ઉડાન વખતે કોમ્યુનિકેશનની સુવિધા માટે જીએકસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ સર્વિસનો ચાર્જ હજુ નક્કી થયો નથી. બીએસએનએલ નવે.થી આ સેવાનો આરંભ કરી શકે છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer