ફોજદારી બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવાની કંગનાની અરજી કોર્ટે ફગાવી

ફોજદારી બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવાની કંગનાની અરજી કોર્ટે ફગાવી
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : ગીતકાર જાવેદ અખ્તરે નોંધાવેલા ફોજદારી બદનક્ષીના કેસને ટ્રાન્સફર કરવાની સિનેતારિકા કંગના રાણાવતની અરજી અદાલતે નકારી કાઢી છે. આ અંગેના અદાલતના ચુકાદાની વિગતો ધરાવતી નકલ મળી નથી. અહીં ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર (76)એ ગત નવેમ્બરમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં કંગના રાણાવતે પોતાની બદનક્ષી કરતી ટિપ્પણ કરી હતી.
તેની સુનાવણી અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવી રહી છે. અખ્તરે ફરિયાદમાં દાવો કર્યો હતો કે ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં કંગના રાણાવતે બૉલીવૂડમાં `કોટરી' સાથે પોતાનું નામ સાંકળીને બદનક્ષી કરી હતી. તેના પગલે રાણાવતે અંધેરીની કોર્ટમાં વળતી ફરિયાદ કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે અખ્તર `ધમકી અને ખંડણી'ના પ્રકરણ સાથે સંકળાયેલા છે. રાણાવતે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે અખ્તરે મને સાથી કલાકારની લેખિત માફી માગવાની ફરજ પાડી હતી.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer