સો કરોડ નાગરિકોને રસીનું રક્ષાકવચ

સો કરોડ નાગરિકોને રસીનું રક્ષાકવચ
રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ આપ્યા જનતાને અભિનંદન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દેશમાં સો કરોડ લોકોને કોવિડની રસી આપી એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તો ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ સો કરોડ લોકોને રસી આપવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા માટે તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપી હતી.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડની રસીના સો કરોડ ડૉઝ આપવાની સિદ્ધિના અવસરે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ દૂરદર્શી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે.
દેશમાં સો કરોડ લોકોને રસી આપવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ દેશવાસીઓની સાથે રસીકરણ અભિયાનને સફળ બનાવનાર તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
કોવિડ-19 વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન આ વરસે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ બીજી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી. 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને અન્ય બીમારી ધરાવતા નાગરિકોને કોવિડ-19ની રસી આપવામાં આવી. એ પછીના તબક્કામાં, પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી. 
છેલ્લે પહેલી મેથી 18 વરસથી વધુ વયની તમામ વ્યક્તિને રસી આપવાનો નિર્ણય લેવાયો અને આજે સો કરોડ નાગરિકોને રસી આપવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
કેન્દ્ર ઊજવશે સિદ્ધિનો ઉત્સવ
કેન્દ્ર સરકાર 100 કરોડના આંકને એક મહાન સિદ્ધિ તરીકે લક્ષમાં લઈ ઉત્સવ મનાવવાની તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવે છે. ખાદીના સૌથી મોટા તિરંગાને લાલ કિલ્લા ઉપર ફરકાવવાનું આયોજન છે. તિરંગાની લંબાઈ રરપ ફૂટ અને પહોળાઈ 150 ફૂટ હશે. તેનું વજન આશરે 1400 કિલો હશે. 
પ્રતિ સેકન્ડ 700નું રસીકરણ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના અધિકારીએ જણાવ્યું કે અમે પ્રતિ સેકન્ડ 700નું રસીકરણ કરી રહ્યા છીએ.
તમામ વયસ્કોમાં આશરે 75 ટકાએ પહેલો ડોઝ અને 31 ટકાએ બન્ને ડોઝ લઈ લીધા છે. 100 કરોડમાં 87.7 ટકાને કોવિશિલ્ડ વેક્સિન લગાવવામાં આવી છે.
જયારે 11.4 ટકાને કોવેક્સિન અને 0.5 ટકાને સ્પૂતનીક વી વેક્સિન લગાવાઈ છે.
વૅક્સિનેશનનો ગ્રાફ
ડૉઝ                        દિવસો
01-10 કરોડ            85 દિવસ
10-20 કરોડ            45 દિવસ
20-30 કરોડ            29 દિવસ
30-40 કરોડ            24 દિવસ
40-50 કરોડ            20 દિવસ
50-60 કરોડ            19 દિવસ
60-70 કરોડ            13 દિવસ
70-80 કરોડ            11 દિવસ
80-90 કરોડ            12 દિવસ
90-100 કરોડ          19 દિવસ
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer