ડ્રગ કેસમાં અભિનેત્રી અનન્યાનું નિવેદન એનસીબીએ નોંધ્યું

ડ્રગ કેસમાં અભિનેત્રી અનન્યાનું નિવેદન એનસીબીએ નોંધ્યું
મોબાઈલ અને લેપટોપ જપ્ત કરાયાં
શાહરુખ ખાનના ઘરે પહોંચી એનસીબી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : ક્રૂઝ શિપ કોર્ડિલા પરની ડ્રગ પાર્ટીના કેસની તપાસમાં ગુરુવારે મહત્ત્વની બે ઘટના બની હતી. એક તો પોલીસે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના તપાસ અધિકારીઓએ શાહરુખ ખાનના બાંદ્રાસ્થિત નિવાસસ્થાન મન્નતની તથા અભિનેત્રી અનન્યા પાંડેના બાંદ્રાના ઘરની મુલાકાત લીધી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ખુલાસો કરતાં કહ્યું હતું કે આ કોઈ રેઈડ નહોતી અને મન્નતમાંથી અમુક દસ્તાવેજો લેવા અધિકારીઓ ગયા હતા જ્યારે અનન્યાને તેના ઘરે સમન્સ બજાવવામાં આવ્યા હતા. 
જોકે અનન્યાને તપાસ અધિકારીઓએ સમન્સ આપી મોડેથી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની અૉફિસમાં હાજર થવાની સૂચના આપી હતી. તપાસ અધિકારીઓએ અનન્યાનો મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કર્યાં છે. 
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સાથે અનન્યાએ ડ્રગ વિશે અમુક ચેટ કરી હતી અને આ ચેટ મેસેજ વિશે પૂછપરછ કરવા તેને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની અૉફિસમાં બોલાવાઈ હતી. તે અભિનેતા પિતા ચંકી પાંડે સાથે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની અૉફિસમાં સાંજે ચાર વાગ્યે આવી હતી. બે કલાકની પૂછપરછ બાદ એ સાંજે છ વાગ્યે રવાના થઈ ગઈ હતી. તેને શુક્રવારે (આજે) 11 વાગ્યે ફરી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની અૉફિસમાં બોલાવવામાં આવી છે. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક અધિકારીએ કહ્યું હતું કે અનન્યાને બોલાવવામાં આવી એનો મતલબ એ નથી કે તે આ કેસની આરોપી છે. 
સ્પેશિયલ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી દરમિયાન  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આર્યનના અનન્યા સાથેના ડ્રગ્સ વિશેના વાંધાજનક ચેટ મેસેજ કોર્ટને પણ સુપરત કર્યા હતા. આ આખા કેસમાં અનન્યાની ભૂમિકા શું છે એ વિશે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કોઈ ખુલાસો કર્યો નથી. આ આખો કેસ હાઈ પ્રોફાઈલ બની ગયો હોવાથી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અૉફિસની બહાર પત્રકારો-કૅમેરામૅનોની ખસ્સી ભીડ રહે છે અને તેમને કાબૂમાં રાખવા પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે. 
બીજી તરફ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ બુધવાર રાતથી આ કેસના સંદર્ભમાં મુંબઈમાં અનેક ઠોકાણે રેઈડ્સ પાડવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન અધિકારીઓને શું મળ્યું એ જાણી શકાયું નહોતું. 
બૉલીવૂડના અન્ય બે ઍક્ટરો પણ રડારમાં 
ડ્રગ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે ઉપરાંત બૉલીવૂડના બે કલાકારોને પણ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પૂછપરછ માટે બોલાવી શકે છે. આ બે કલાકારો સાથેના ચેટ મેસેજો પણ તપાસ અધિકારીઓને આરોપી આર્યન ખાનના ફોનમાંથી મળ્યા છે. 
આ બે ઍક્ટર્સ કોણ છે એના નામ જાણી શકાયાં નહોતાં, પણ આમાંથી એક એક નવી અભિનેત્રી હોવાનું કહેવાય છે. 
બીજી તરફ અનન્યા પાંડેએ તેની ટીમને આગામી થોડા દિવસ શાટિંગો કેન્સલ કરવાની સૂચના આપી છે. અનન્યાએ શુક્રવારે (આજે) પણ તપાસ માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની અૉફિસમાં સવારે 11 વાગ્યે હાજર થવાનું છે. તપાસ અધિકારીઓ એ પછી પણ તેને બોલાવી શકે છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer