આંદોલનનો અધિકાર પણ રસ્તો જામ કરી શકો નહીં

આંદોલનનો અધિકાર પણ રસ્તો જામ કરી શકો નહીં
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ખેડૂતોએ ટેંટ હટાવ્યા :  રામલીલા મેદાન જવા દો, રસ્તા ખાલી થઈ જશે : ટિકૈત
નવી દિલ્હી, તા. 21 : કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન છેડી લાંબા સમયથી દિલ્હીની સરહદો પર ધામા નાંખી બેઠેલા ખેડૂતોએ રસ્તા અવરોધ્યા હોવાથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. બીજીતરફ દિલ્હી-મેરઠ એકસપ્રેસ વે પર બેઠેલા ખેડૂતોએ સર્વિસ રોડ પરથી ઝૂંપડા, ટેંટ સહિતનો સામાન હટાવવાનું શરૂ કર્યું છે. આગેવાન રાકેશ ટિકૈતે કહ્યં કે રસ્તો અમે નહીં, દિલ્હી સરકારે રોકી રાખ્યો છે.
દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ફટકાર લગાવતાં કહ્યું કે કૃષિ કાયદા અંગે પક્ષ-વિપક્ષ હોઈ શકે છે પરંતુ સવાલ એ છે કે શું આ રીતે રસ્તો બંધ કરી શકાય છે ? કોર્ટે રસ્તા પરથી હટવા અંગે ખેડૂત સંગઠનોને જવાબ દાખલ કરવા 7 ડિસે. સુધીનો સમય આપ્યો છે. જસ્ટિસ એસ.કે. કૌલે કહ્યું કે રસ્તાઓ ક્લિયર હોવા જોઈએ. આપણે વારંવાર કાયદા નક્કી કરતાં ન રહી શકીએ. તમને આંદોલનનો અધિકાર છે પરંતુ રસ્તો જામ ન કરી શકો. હવે કંઈક સમાધાન શોધવું પડશે. મામલો વિચારાધીન હોવા પર પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ રસ્તાઓને જામ ન કરી શકાય. રસ્તાઓ લોકોના આવાગમન માટે છે. રસ્તાઓ જામ કરવાના મુદ્દે અમોને સમસ્યા છે. 
સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનોને નોટિસ જારી કરી છે. ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે રસ્તાને પોલીસે બંધ કર્યો છે, અમે નહીં. ભાજપને રામલીલા મેદાનમાં રેલી કરવા દીધી, અમને પણ જવા દો. જેના પર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યં કે મામલાના ઘણાં ગંભીર મુદ્દા છે. પ્રદર્શન પાછળ કેટલાક છૂપાયેલા ઉદેશ છે. દવેએ કહ્યું કે ખેડૂતોને બદનામ કરવા વાતો ઉભી કરવામાં આવી છે. કાયદો પસાર કરતાં પહેલા ખેડૂતો સાથે વાત કરવામાં ન આવી. પ્રદર્શનકારીઓને રામલીલા મેદાન જવા દો,રસ્તા ખાલી થઈ જશે. લાલ કિલ્લા કેસમાં તમામ આરોપીઓને જામીન મળી ગયા છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer