સો કરોડ નાગરિકોનું કોરોના રસીકરણ

સો કરોડ નાગરિકોનું કોરોના રસીકરણ
130 કરોડ ભારતીયોનો જુસ્સો, સ્વદેશી વિજ્ઞાનની જીત : વડા પ્રધાન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : દેશના સો કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની સિદ્ધિ હાંસલ કરવાના  પ્રયાસો અને સક્ષમ નેતૃત્વ માટે વડા પ્રધાન નરેન્દ્ર  મોદીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે, પરંતુ વડા પ્રધાને આ સિદ્ધિનું શ્રેય મહામારી કોરોના વિરુદ્ધની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા દેશના તમામ નાગરિકોને આપ્યું છે.
વડા પ્રધાને ગુરુવારે ડૉક્ટર્સ, નર્સો સહિત તમામ કોવિડ-19 ફ્રન્ટલાઇન વર્કર્સ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી, કારણ દેશે કોરોના મહામારીને હરાવવા માટેના પ્રયાસો અંતર્ગત 100 કરોડને રસી આપવાની ઉલ્લેખનીય ઉપલબ્ધિ હાંસલ કરી છે.
ભારતે ઇતિહાસ રચ્યો છે અને એ 130 કરોડ ભારતીયો, સ્વદેશી વિજ્ઞાન, ઉદ્યોગ અને સામૂહિક ભાવનાઓનો વિજય છે. સો કરોડ નાગરિકોના રસીકરણ માટે અભિનંદન. આપણા ડૉક્ટર્સ, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કાર્ય કરનાર તમામ લોકોનો આભાર એમ વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે ભારતે ઇતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે દેશ 130 કરોડ ભારતીયો, સ્વદેશી વિજ્ઞાન, ઉદ્યોગ જગત અને સામૂહિક ભાવનાઓની જીતનો સાક્ષી  બની રહ્યો છે.
આ સિદ્ધિની ઉજવણી માટે વડા પ્રધાન મોદી અને આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલ ગયા હતા. વડા પ્રધાન અને આરોગ્યપ્રધાને ડૉક્ટર્સ, નર્સો સાથે વાતચીત કરવાની સાથે ભારતીયોને કોવિડની રસી આપવાના પ્રયાસો કરવા માટે પ્રથમ હરોળના કાર્યકર્તાઓનો ખાસ આભાર માન્યો હતો.
માંડવિયાએ દેશની રાજધાનીમાં આવેલા લાલ કિલ્લામાં ફિલ્મ અને ગીતનું વિમોચન કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે એને ગૌરવની ક્ષણ હોવાનું જણાવવાની સાથે વડા પ્રધાન મોદીને શ્રેય આપતાં કહ્યું હતું કે રેકોર્ડ બનાવવાનું શ્રેય વડા પ્રધાન મોદીનું દૂરંદેશી નેતૃત્વ અને સતત અપાતા પ્રોત્સાહનને જાય છે. તેમણે ટ્વીટ કર્યું કે, હું તમામ વિજ્ઞાનીઓ, સંશોધકો અને આરોગ્યકર્મીઓને ધન્યવાદ આપું છું જેમણે સતત પડકારોનો સામનો કરી આ મહાયજ્ઞમાં યોગદાન આપ્યું છે તથા દરેક નાગરિકની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે દૃઢ સંકલ્પ કરનાર મોદીજીને શુભેચ્છા.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા પ્રધાનને અભિનંદન
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક અબજથી વધુ ભારતીયોને કોવિડ-19ની રસી આપવાનું સીમાચિહ્ન હાંસલ કરવા માટે ભારતને શુભેચ્છા આપી હતી. સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડનૉમે ટ્વીટ કર્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય વિજ્ઞાનીઓ, સ્વાસ્થ્યકર્મીઓ અને ભારતની આટલી મોટી વસ્તીને કોવિડ-19થી રક્ષણ આપવા અને વૅક્સિન આપવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે વડા પ્રધાન મોદીને શુભેચ્છાઓ. 
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer