શૅરોમાં નરમાઈ ચાલુ રહેવાના સંયોગો

શૅરોમાં નરમાઈ ચાલુ રહેવાના સંયોગો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : સ્થાનિક શૅર બજારોની શરૂઆત સકારાત્મક થઈ હતી પરંતુ સપ્તાહના અંત સુધીમાં બધો ઉછાળો ધોવાઈ ગયો હતો. આ મહિનાના અંત બાદ બોન્ડની ખરીદી ઉપર નિયંત્રણ રાખવાની ફેડરલ રિઝર્વે જાહેરાત કરી ત્યારથી જ બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઉત્સાહ ઘટ્યો છે. આજની તારીખમાં વૈશ્વિક સ્તરે એ પ્રશ્ન ઉભો થયો છે કે શું બજાર ટેપર ટેન્ટ્રમ 2.0માં છે?, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીની સાપ્તાહિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે. 
જોકે, ભારત હજી એ ચિંતાજનક પરિસ્થિતિમાં નથી. વર્ષ 2008ની નાણાકીય કટોકટી બાદ ફેડ દ્વારા વર્ષ 2013માં ટેપારિંગનું વલણ અપનાવવામાં આવ્યું હતું તે વખતે ભારત પાંચ નાજૂક અર્થતંત્રમાં ગણાતુ હતું. હાલમાં ભારતનું ફોરેન એક્સચેન્જ વર્ષ 2013ની સરખામણીએ બે ગણુ વધુ છે. આ સિવાય વિદેશી ડેબ્ટ, જીડીપી, ગ્રાહક ફુગાવો અને ચાલુ ખાતાની ખાધ પણ વર્ષ 2013ની સરખામણીએ સારી છે, તેથી ભારતને નાજુક અર્થતંત્ર આજની તારીખમાં કહી શકાય નહીં, એમ પણ જીમીત મોદીએ કહ્યું હતું.  
આ વર્ષે ભારત એમર્જીંગ માર્કેટમાં સર્વશ્રેષ્ઠ ગણાઈ રહ્યું છે. ઘણા વિદેશી બ્રોકરેજ ગૃહનું માનવું છે કે ભારતીય શૅરબજારનું મૂલ્યાંકન વધુ પડતુ છે. તેમની આ ટિપ્પણીથી રોકાણકારોની ચિંતા વધી છે. જોકે, રોકાણકારોએ હાલમાં ફેડરલ રિઝર્વ ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. ટૂંકા ગાળામાં શૅરબજારમાં ઘટાડો થઈ શકે છે અને લિક્વિડિટી પાછી ખેંચાઈ શકે છે.  
ટેકનિકલ દૃષ્ટિએ નિફ્ટીનું કેન્ડલ ચાર્ટ જોતા મંદીકારક કેન્ડલ ઉભી થઈ છે. સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં વેચવાલીનું દબાણ હતું. બેન્ચમાર્ક હાલ 17,700ના સપોર્ટ લેવલે ટ્રેડ થઈ રહ્યું છે. બૅન્ક નિફ્ટી પણ સપોર્ટ લેવલે જ છે. તેથી ટ્રેડર્સને સલાહ છે કે તેઓ ન્યુટ્રલ આઉટલુક રાખીને પગલા લે.  
આ સપ્તાહમાં વૈશ્વિક પરિબળો સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોની દિશા નક્કી કરશે. સકારાત્મક પરિબળોના અભાવે શૅરબજારમાં વેચવાલીનું દબાણ રહેશે. ટ્રેડર્સે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઉપર વિશેષ ધ્યાન આપવુ અને હાલના સમયમાં સાવચેતીપૂર્વક ટ્રાડિંગ કરવાની સલાહ છે.

Published on: Mon, 22 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer