શાળાના કોર્ટ કેસને પહોંચી વળવા નશીલી ગોળી બનાવવાનું કારખાનું શરૂ ર્ક્યુ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : કોલ્હાપુર ખાતેના પોતાના ફાર્મહાઉસમાં નશીલી મેફેડ્રોનની ગાળીનું ઉત્પાદન કરનાર રાજકુમાર રાજહંસ નામના વકીલે પોલીસને કહ્યું હતું કે મારી શૈક્ષણિક સંસ્થાની માલિકીના મુદ્દે કોર્ટમાં કેસ ચાલે છે અને આ કેસનો ખર્ચો કાઢવા મે મેફેડ્રોનની ગાળીઓનું ઉત્પાદન અને એનું વેચાણ કરવાનું શરૂ કરેલું. 
આ કેસના તપાસ અધિકારીએ કહ્યું હતું કે કોલ્હાપુરમાંની એક હાઈસ્કૂલની માલિકી વિશેનો ખટલો કોર્ટમાં 2011થી ચાલી રહ્યો છે. 
મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે ગુરુવારે આ વકીલની મલાડમાંથી ધરપકડ કરી હતી. એ પહેલા પોલીસે તેના બે સાથીને પકડેલા. આ બન્ને આરોપી વકીલ રાજહંસના ફાર્મહાઉસમાં નશીલી મેફેડ્રોનની ગોળીનું ઉત્પાદન કરતાં હતા અને ત્યાંથી મુંબઈના ગ્રાહકોને આ ગોળી પુરી પાડવામાં આવતી હતી. આ વકીલ અત્યારે એન્ટિ નાર્કોટિક્સ સેલના બ્રાંદ્રા યુનિટના તાબામાં છે. 
સૂત્રોએ કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં સ્કૂલના ખટલાનો ખર્ચ વધી ગયો હોવાથી વકીલ આ ગેરકાયદે કામમાંથી ઝડપથી પૈસા રળવા માગતો હતો. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોફિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ પકડવામાં આવેલા એક આરોપીએ ઝડપથી પૈસા બનાવવા હોય તો મેફેડ્રોનની ગોળીનું ઉત્પાદન કરવાની વાત વકીલને 2019માં કરેલી. વકીલને આ ઓફર ગમી ગઈ હતી અને તેણે આ ધંધામાં ઝંપલાવ્યું હતું. આ વકીલે આ આરોપીની માતા અને અન્યોનો એક કેસ હાથમાં લીધો હતો અને આમ એ આરોપીના પરિચયમાં આવેલો. 
મેફેડ્રોનની ગાળીનું ઉત્પપાદન કેમ કરવું એની આ ઓરોપીએ વકીલ અને એના ફાર્મહાઉસના કેરટેકરને કોલ્હાપુરમાં તાલિમ આપેલી. એ પછી તો વકીલે પોતાના કોલ્હાપુરના ફાર્મહાઉસમાં કેરટેકરની મદદથી મેફેડ્રોન બનાવવાનું શરૂ કરી દીધુ. પોલીસે આ કેરટેકર અને પેલા આરોપીની પણ ધરપકડ કરી છે. 
પોલીસે ગયા અઠવાડિયે ક્રિસ્ટિના મેગ્લીન નામની એક મહિલાની 50 ગ્રામ મેફેડ્રોનની ગોળી સાથે ધરપકડ કરી હતી.  પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું હતું કે તેણે આ ગોળીઓ રાજહંસ નામના વકીલ પાસેથી ખરીદી છે. તેણે એમપણ કહ્યું હતું કે આ વકીલ તેના કોલ્હાપુરના ફાર્મહાઉસમાં આ ગોળીઓ બનાવે છે. 
આને પગલે પોલીસે તરત જ વકીલના ફાર્મહાઉસ પર રેઈડ પાડી હતી અને ત્યાંથી કેરટેકરને પકડયો હતો. પોલીસે ત્યાંથી ગોળી બનાવવા 2.35 કોરોડના મુલ્યના મશીનો પણ જપ્ત કર્યા હતા. વકીલ કોલ્હાપુરથી આ ગોળીઓ પોતાની ઈનોવામાં મુંબઈ લઈ આવતો. મુંબઈ આવ્યા બાદ એ આ ગોળીઓ વેચતો અને સાથે સાથે વકીલાત પણ કરતો.

Published on: Mon, 22 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer