કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં અલ બદરના આતંકવાદીઓ

કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં અલ બદરના આતંકવાદીઓ
સુરક્ષા દળો એલર્ટ
શ્રીનગર, તા. 21: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ હુમલા કરી શકે છે. આ માટે આતંકી સંગઠન અલ બદરના પાંચ આતંકવાદી પીઓકેમાં ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે. જેને ધ્યાને લઈને આઇબીએ એલર્ટ જારી કર્યું છે. સૂત્રો તરફથી મળતી વિગત પ્રમાણે  સુરક્ષા દળો તરફથી જમ્મુ કાશ્મીરમાં ચલાવવામાં આવી રહેલાં ઓપરેશન ઓલઆઉટથી આઇએસઆઇ અને આતંકીમાં હડકંપ છે. આઇબીના એલર્ટ મુજબ આતંકી સંગઠન હવે ભારત-પાક બોર્ડરે થનારી હિમવર્ષાનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરીની તૈયારી કરી રહ્યા છે. 
આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આતંકવાદીઓનું એક ગ્રુપ ભારતની સીમામાં ઘૂસવા માટે પૂરી તૈયારીમાં છે. આ માટે અલ બદરે એક ગ્રુપ તૈયાર કર્યું છે. જેમાં એક ગાઇડ પણ સામેલ છે. આ તમામ પીઓકેના નિકિયાલ વિસ્તારમાં બનેલા એક કેમ્પ હોવાના અહેવાલ સામે આવ્યા છે અને બાલાકોટથી પુંચ વચ્ચે તારાકુંડી એરિયાથી ભારતીય સીમામાં ઘૂસવાની ફિરાકમાં છે. આ અહેવાલને ધ્યાને લઈને સુરક્ષા દળોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

Published on: Mon, 22 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer