મંદિરો અને મઠોને સરકારી કબજામાંથી છોડાવવા સાધુ સમાજની આંદોલનની ચેતવણી

મુઠ્ઠીભર ખેડૂતો સરકારને ઝુકાવી શકે તો સાધુ-સંતો શું ન કરી શકે?
નવી દિલ્હી, તા. 22 : રાજધાની દિલ્હી હજુ ખેડૂત આંદોલનથી મુક્ત નથી થઇ ત્યાં હવે સાધુ-સંત સમાજે કેન્દ્ર સરકારને રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. રવિવારે દેશના કેટલાય સાધુ-સંતો દક્ષિણ દિલ્હીના કાલકાજી મંદિરમાં એકત્ર થયા હતા અને મઠ-મંદિર મુક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. સંતોએ ચેતવણી આપી હતી કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શાંતિથી મનાવીશું પરંતુ જો નહીં માને તો શસ્ત્રો પણ ઉઠાવીશું. સાધુ-સંતોનું કહેવું હતું કે મુઠ્ઠીભર ખેડૂતોએઁ દિલ્હીની સીમાએ ધામા નાખીને રસ્તા રોક્યા તો સરકારે નમવું પડયું તો સાધુ-સંતો ધારે તો શું ન કરી શકે? 
આંદોલનની ઘોષણા માટે આયોજિત કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિએ કર્યું હતું. સમિતિના અધ્યક્ષ મહંત સુરેન્દ્રનાથ અવધૂત છે. આ સુરેન્દ્રનાથ વૈશ્વિક હિંદુ સંસ્થા વિશ્વ હિંદુ મહાસંઘના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ. જો કે આંદોલનના મંચ પર મહાસંઘનું બેનર નહોતું પરંતુ કેટલાક સાધુઓએ કહ્યું હતું કે અમારા આંદોલનને એક યોગીનો ટેકો હોવાથી સફળતાની ગેરંટી છે.
ભારતીય અખાડા પરિષદના મહામંત્રી રાજેન્દ્ર દાસે જણાવ્યું હતું કે આ આંદોલનને અમારો તન-મન-ધનથી સંપૂર્ણ સહકાર છે. અમારા અધ્યયન પ્રમાણે આ સૌથી દયનીય હાલત તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કેરળના દેવસ્થાનોની છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો દેવધન રાજકોષમાં જાય તો રાજકોષ ક્યારેય ન ભરાય. અન્ય દેશોમાં ધાર્મિક સ્થળો માટે સરકાર ધન આપે છે જ્યારે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નજર મંદિરોની તિજોરી પર મંડાયેલી રહે છે. આયોજક સુરેન્દ્ર નાથે જણાવ્યું હતું કે અમે વડા પ્રધાનને એક પત્ર લખીશું જેમાં તમામ રાજ્યોનાં મઠ-મંદિરોની પરિસ્થિતિ સમજાવવામાં આવશે. વડા પ્રધાન પહેલ કરશે તો તેમનો ધન્યવાદ વ્યક્ત કરીશું પરંતુ જો માગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન મંચ પરથી સડક સુધી જશે અને દરેક શહેર-ગામ સુધી તે ફેલાવાશે.
Published on: Tue, 23 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer