વર્ધમાનનું વીરચક્રથી અભિનંદન

વર્ધમાનનું વીરચક્રથી અભિનંદન
પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડનારા વિંગ કમાન્ડર 
રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કારો એનાયત
નવી દિલ્હી, તા. 22 : ભારતીય વાયુદળ માટે સોમવારનો દિવસ ખાસ રહ્યો હતો. 27મી ફેબ્રુઆરી, 2019ના દિવસે પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનને હવાઈયુદ્ધ દરમ્યાન તોડી પાડનાર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથકોવિંદ દ્વારા વીરચક્રથી સન્માનિત કરાયા હતા.
ભારતીય સૈન્યના નાયકોને આજે રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાશ્મીરમાં એક ઓપરેશન દરમ્યાન ખુંખાર આતંકવાદીઓને ઠાર મારતાં શહીદ થયેલા નાયક સુબેદાર સોમબીરને મરણોત્તર શૌર્યચક્રથી સન્માનિત કરાયા હતા.
સોમબીર વતી રાષ્ટ્રપતિ પાસેથી સન્માન સ્વીકારતી વખતે શહીદ જવાનનાં પત્ની અને માતા ભાવુક થઈ ગયાં હતાં.
પાંચ આતંકવાદીને ફૂંકી મારનાર મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલને પણ મરણોત્તર શૌર્યચક્રથી સન્માનિત કરાયા હતા. કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખદેડનાર કોર ઓફ એંજિનયર્સના સૈયર પ્રકાશ જાધવને મરણોત્તર બીજા સૌથી મોટા શાંતિકાલીન વીરતા પુરસ્કાર કીર્તિચક્રથી પોંખાયા હતા.
Published on: Tue, 23 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer