મુખ્ય પ્રધાનના ભંડોળની તપાસ લોકાયુક્ત દ્વારા કરાવો : ભાજપ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ભંડોળમાં 600 કરોડ રૂપિયા વપરાયા વિના પડયા છે, જ્યારે લોકોને અને ખાસ કરીને કોરોનાગ્રસ્તોને ભારે અગવડ વેઠવી પડી રહી છે. તેથી આ ભંડોળની લોકાયુક્ત દ્વારા તપાસ કરાવવાની માગણી ભાજપે કરી છે.
મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાદ્યેએ માગણી કરી છે કે ઠાકરે સરકારે લોકોને ભંડોળ ન હોવા માટે ખોટાં કારણો આપ્યાં છે અને પ્રજાને રઝળતી મૂકી છે. આવી સ્થિતિમાં છસ્સો કરોડની સહાયતા રકમ હવે દબાવીને ન બેસતાં તાત્કાલિક અસરથી કોરોના મૃતકોના વારસદારોને મદદ આપો. 
સરકારે કોરોના રિલીફ ફંડના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 25 ટકા જ ખર્ચાયા હતા તેવી કબૂલાત સરકારે જ કરેલી છે. 
બાકીના 600 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે અને કોરોના પ્રભાવિત પ્રજા આર્થિક તંગીનો સામનો કરી રહી છે.  
હાલતાં ચાલતાં પીએમ કેર ફંડ પર ચાંપતી નજર રાખીને મદદની યાચના કરતી ઠાકરે સરકાર એ આ રકમ કેમ છુપાવી તેની લોકાયુક્ત મારફત તપાસ થવી જોઇએ, એવી માગણી કેશવ ઉપાદ્યેએ કરી છે. 
આ ફંડમાંથી ઠાકરે સરકારે ખર્ચેલા 15 કરોડ રૂપિયા જાહેરાતો પાછળ વેડફાયા હોવાનું પણ સામે આવ્યું છે. સંકટ સમયે સરકારી કર્તવ્યની ગાજવીજ કરી આ રકમ તિજોરીમાં ભરી રાખી તેવો આક્ષેપ પણ કેશવ ઉપાદ્યેએ કર્યો છે.
Published on: Wed, 24 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer